બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે હવે તેમની તબિયત સારી છે. તેઓ ઘરે આરામ કરી રહ્યા છે. મુંબઇ પોલીસે હુમલાખોરને પણ ઝડપી પાડ્યો હતો. આ સમાચારોથી તો સૈફ ચર્ચામાં છે જ પરંતુ તેના પરિવારની ભોપાલ અને તેની આસપાસના વિસ્તારમાં લગભગ 15,000 કરોડ રૂપિયાની મિલકત પણ સમાચારમાં છે.
પટૌડી પરિવારની આ મિલકત સરકારના કબજામાં જઈ શકે છે, જેના અંગે કાનૂની લડાઈ ચાલી રહી છે. ભોપાલ રજવાડાંમાંથી વારસામાં મળેલી આ મિલકત અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ ઐતિહાસિક મિલકત પરનો સ્ટે 2015 માં સમાપ્ત થયો, ત્યારબાદ પટૌડી પરિવારને પોતાનો પક્ષ રજૂ કરવાનો સમય મળ્યો. જોકે, તેમના દ્વારા હજુ સુધી કોઈ દાવો કરવામાં આવ્યો નથી. ચાલો જાણીએ કે સરકાર સૈફ અને તેના પરિવારની આ મિલકતનો કબજો કેવી રીતે લઈ શકે છે? આ અંગે કાયદો શું છે?
પટૌડી પરિવારને મિલકત કેવી રીતે મળી?
ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાન પછી, તેમની મોટી પુત્રી આબીદા સુલતાનનો આ મિલકત પર અધિકાર હતો. જોકે, 1950માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી આબિદા સુલતાન બધું છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા, ત્યારબાદ ભોપાલ રાજ્યની બધી મિલકત આબિદાની નાની બહેન સાજિદા સુલતાનને મળી. સાજિદા સુલ્તાનએ નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા, જે સૈફ અલી ખાનના દાદા હતા. ઇફ્તિખાર પટૌડી પછી, સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન પટૌડી આ મિલકતની દેખરેખ રાખતા હતા. આ રીતે લગભગ 15000 કરોડ રૂપિયાની આ મિલકત સૈફ અલી ખાનને વારસામાં મળી.
વિવાદનું કારણ શું છે?
ભોપાલમાં સૈફ અલી ખાન અને પટૌડી પરિવારની 15000 કરોડ રૂપિયાની મિલકત શત્રુ સંપત્તિ કાયદા હેઠળ વિવાદમાં છે. 24 ફેબ્રુઆરી, 2015 ના રોજ, એનિમી પ્રોપર્ટીના કસ્ટોડિયનએ આ મિલકતોને એનિમી પ્રોપર્ટી તરીકે જાહેર કરી. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ભોપાલ નવાબ હમીદુલ્લાહ ખાનની મોટી પુત્રી આબિદા સુલતાન પાકિસ્તાન ગઈ હતી, તેથી ભોપાલ નવાબની મિલકત, જે આબિદાને વારસામાં મળવાની હતી તે શત્રુ સંપત્તિ છે. સૈફ અલી ખાનની માતા અને પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોરે આની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી, ત્યારબાદ આ આદેશ પર સ્ટે લગાવવામાં આવ્યો હતો.
શું સરકાર મિલકતનો કબજો લઈ શકે છે?
આની પાછળ શત્રુ સંપત્તિ કાયદો છે. આ કાયદો 1965 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી લાવવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી જે લોકો દેશ છોડીને પાકિસ્તાન ગયા અને ત્યાં સ્થાયી થયા. તેમની મિલકતોને શત્રુ મિલકત ગણવામાં આવતી હતી. ચીન સાથેના યુદ્ધ પછી, ચીન પર પણ આ જ કાયદો લાગુ પડ્યો અને ભારત છોડીને ચીન જતા લોકોની મિલકતને પણ શત્રુ સંપત્તિ જાહેર કરવામાં આવી. કેન્દ્ર સરકાર આવી મિલકતોનો કબજો લે છે. આવી સંપત્તિઓને દેશ માટે ખતરો માનવામાં આવે છે અને તેનો ઉપયોગ વિદેશી શક્તિઓ દ્વારા થઈ શકે છે.