લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહાર સમસ્તીપુર જિલ્લાની હસનપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવ હાલ ચર્ચાનો વિષય બન્યા છે. તેઓએ પોતાની ખાસ મિત્ર અનુષ્કા યાદવ સાથેના પ્રેમ સંબંધોની કબૂલાત બાદ લાલુ પ્રસાદ યાદવના ઘરમાં રાજકીય ભૂકંપ લાવી દિધો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુક્યા બાદ તેજ પ્રતાપને તેના ઘર, તેની સંપત્તિ અને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે પક્ષમાંથી હાંકી કાઢતા શું ધારાસભ્ય તેનું પદ ગુમાવે છે. શું છે નિયમો. આવો જાણીએ.
તેજ પ્રતાપ યાદવનું અંગત જીવન ચર્ચાસ્પદ
બિહારના પૂર્વ મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ તેમની અંગત જીંદગીની કારણે હમેંશા ચર્ચામાં રહે છે. હાલ તેઓ અનુષ્કા યાદવ સાથે પ્રેમ સંબંધમાં છે. અને તેની સાથે લગ્ન કર્યા હોવાનો ખુલાસો થયો છે. તેજ પ્રતાપ અનુષ્કા સાથે સંબંધમાં હતા છતા તેણે ઐશ્વર્યા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. અને તેની સાથે ગેરવર્તણુંક કરી હતી. તેજ પ્રતાપ યાદવે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે અનુષ્કા યાદવ સાથેના પોતાના 12 વર્ષના સંબંધની જાહેરાત કરી હતી. તેજ પ્રતાપ યાદવે કરેલી આ પોસ્ટ બાદ બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેજ પ્રતાપ યાદવ પહેલાથી જ પરિણીત છે અને તેમના છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. આ ઘટનાના એક દિવસ પછી, લાલુ પ્રસાદે તેજ પ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યા છે. તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
ધારાસભ્ય પદ માટે કયા છે નિયમો ?
લાલુ પ્રસાદ યાદવ દ્વારા વિધાનસભામાં લેખિતમાં આ માહિતી આપવામાં આવે તે જરૂરી છે. જ્યાં સુધી વિધાનસભાના તેમના સભ્યપદનો સવાલ છે, ફક્ત તેમને પક્ષમાંથી હાંકી કાઢવાથી વિધાનસભાના તેમના સભ્યપદને કોઈ ખતરો રહેશે નહીં. જો આરજેડી તેમનું ધારાસભ્ય પદ છીનવી લેવા માટે લેખિત વિનંતી કરે તો પણ, તે વિધાનસભાના અધ્યક્ષ પર નિર્ભર રહેશે કે તેઓ આ અંગે શું નિર્ણય લેશે. જો આપણે આ રીતે જોઈએ તો, તેજ પ્રતાપ યાદવની બેઠક હાલ માટે સુરક્ષિત છે.
પક્ષપલટા વિરોધી કાયદો શું છે?
જોકે, આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી, જો તેજ પ્રતાપ યાદવ કોઈ અન્ય પાર્ટીમાં જોડાય છે અથવા પોતાની પાર્ટી બનાવે છે, તો તેઓ પોતાનો ધારાસભ્યનો દરજ્જો ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં, તેઓ હવે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ધારાસભ્ય રહેશે નહીં. જોકે, હજુ સુધી તેજ પ્રતાપ યાદવ દ્વારા આ અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી.