કેન્સર એક ગંભીર સમસ્યા છે. પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે વૃદ્ધ, કોઈપણ વ્યક્તિને કેન્સરનું જોખમ હોઈ શકે છે. ભારતમાં યુવાન સ્ત્રીઓમાં ચિંતાજનક દરે કેન્સર વધી રહ્યું છે. ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સાથે સર્વાઈકલ કેન્સર (Cervical Cancer)ના કેસમાં ઝડપથી વધારો જોવા મળે છે.
કેન્સરના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો
મહિલાઓને થતા કેન્સરને લઈને એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું જે મુજબ, ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)ના 1.27 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ આંકડા વધુ ચોંકાવનારા છે કારણ કે સૌથી વધુ યુવાન વય જૂથોમાં સર્વાઇકલ કેન્સરની બીમારી જોવા મળી. આ કેન્સર થવાનું મુખ્ય કારણ માનવ પેપિલોમાવાયરસ (HPV) નો ફેલાવો થવાને પણ માનવામાં આવે છે. આ કેન્સરમાં જો પ્રથમ તબક્કે નિદાન થઈ જાય તો નિયમિત દવાઓ અને સારવાર કરાતા મોત જેવા ગંભીર પરિણામોથી બચી શકીએ છીએ. ખાસ કરીને HPVના 16 અને 18 પ્રકાર સૌથી જોખમી માનવામાં આવે છે.
સર્વાઈકલ કેન્સરના કારણો
આ ઉપરાંત ઉમંર કરતા વહેલા જાતીય સંભોગ કરવો એટલે કે 18 વર્ષ પહેલા સંબંધ બાંધવો, પરીક્ષણનો અભાવ અને સમયસર રોગનું નિદાન ના થવું, લાંબો સમય માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવો, જેવા કારણો તેમજ રસીકરણ કવરેજનો અભાવ જેવા કારણોસર યુવતીઓમાં આ સમસ્યા વધી છે. છેલ્લા કેટલાક સમયમાં બ્રેસ્ટ કેન્સરની સાથે સર્વાઈકલ કેન્સર વધવાના અન્ય કારણોમાં અવ્યવસ્થિત જીવનશૈલી પણ જવાબદાર ગણાય છે. યુવતીઓમાં આજકાલ પુરુષોની બરાબરી કરતા નાઈટ આઉટીંગ અને આલ્કોહોલ લેવા તેમજ ધુમ્રપાન કરવાનું ચલણ વધ્યું છે. યુવતીઓએ કેન્સરના જોખમને લઈને સતર્ક રહેવાની જરૂર છે.
કેન્સરના જોખમને દૂર રાખો
ભવિષ્યમાં કેન્સરના જોખમને દૂર રાખવા યુવતીઓએ નિયમિત મેડિકલ ચેક અપ કરાવવું તેમજ પોતાની પીરિયડની સાઈકલ પર પણ ધ્યાન આપવું. આ ઉપરાંત 21થી 65 વર્ષની મહિલાઓ પેપ સ્મીયર ટેસ્ટ (Pap smear)લગભગ દર 3-5 વર્ષે કરવા જોઈએ તેવું ડોક્ટર દેસાઈ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે. વધુમાં ડોક્ટર દેસાઈએ કહ્યું કે મોટાભાગની યુવતીઓમાં જ્યારે સર્વાઈકલ કેન્સરનું નિદાન થાય છે ત્યારે તેઓ ડિપ્રેશનમાં સરી પડી છે. તેના બદલે યુવતીઓએ પોઝીટવી એપ્રોચ રાખી કેન્સરની સારવારના વિકલ્પો પર પ્રયાસ કરવો જોઈએ. તેમજ હતાશા દૂર કરવા પરિવાર સાથે આ મામલે નિયમિત વાતચીત કરતા રહેવું જેથી તેમનું માર્ગદર્શન મળે. કોઈપણ ગંભીર બીમારીનો શ્રેષ્ઠ ઉપચાર સમયસર નિદાન અને સમયસર આહાર અને સમયસર ઉપચાર છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.













