• દૂધ સહેજ હૂંફાળું હોય ત્યારે જ ઉમેરો મેળવણ
  • મેળવણ મેળ્યા બાદ દૂધને સારી રીતે ચમચીથી હલાવી લો
  • ગરમીમાં 7-8 કલાકમાં મળશે ડેરી જેવું ઘટ્ટ દહીં ઘરે

ઉનાળાની સીઝન આવતાની સાથે જ દરેક ગુજરાતી ઘરોમાં દહીંનો વપરાશ વધી જાય છે. આ સમયે બહારથી તૈયાર દહીં લાવવાનું દરેક સમયે શક્ય બનતું નથી. આ માટે તમે ઘરે જ માટીના વાસણમાં દહીં મેળવો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બને છે. ગરમીથી બચવા ઉનાળામાં દહીં કે છાશને ભારતીય ભોજનમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. ભોજનનો સ્વાદ વધારવા ઉપરાંત તેનો ઉપયોગ ત્વચાની સંભાળ અને વાળની ​​સંભાળમાં પણ થાય છે. કેટલાક લોકો માટે દહીં મેળવવાનું કામ મુશ્કેલીથી ઓછું નથી, તેઓ ગમે તેટલી કોશિશ કરે તો પણ તેઓ દહીંને યોગ્ય રીતે સેટ કરી શકતા નથી. આ માટે જરૂરી છે કે સૌથી પહેલા તમે તમારી ભૂલ પર ધ્યાન આપો કે દહીં કેમ બરાબર સેટ નથી થઈ રહ્યું. આ સાથે કેટલાક લોકોને દહીં સેટ કરવાની સાચી રીત નથી ખબર, જેના કારણે ઘણી વખત દહીં સેટ થઈ શકતું નથી.

જાણો ઘરે દહીં મેળવતી સમયે કઈ ભૂલો ન કરવી

ઉકળતા દૂધનો ઉપયોગ ન કરો

ઘણી વખત આપણે દૂધ ઉકાળીએ છીએ અને તરત જ તેમાં મેળવણ ઉમેરી દઈએ છીએ, જેના કારણે દૂધ ફાટી જવાની સ્થિતિમાં આવી જાય છે અને તેમાંથી પાણી અલગ થઈ જાય છે. તેથી ગરમ દૂધમાં દહીં નાખવાની ભૂલ ક્યારેય ન કરવી. દહીં બનાવતા પહેલા દૂધને ઠંડુ થવા દો અને પછી જ તેમાં દહીં ઉમેરો. જ્યારે તમે દૂધમાં મેળવણ ઉમેરો ત્યારે તેને સારી રીતે એકવાર હલાવી લો તે જરૂરી છે.

વાસણને હલાવો નહીં

કેટલાક લોકો એ જાણવા માટે ઉત્સુક હોય છે કે દહીં સેટ થયું છે કે નહીં. આ ચેક કરવા માટે વાસણનું ઢાંકણું વારંવાર હટાવતા રહે છે, જેનાથી દહીં સેટ કરવાની પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. મહત્વનું છે કે જ્યારે પણ તમે દહીંને સેટ થવા માટે રાખો છો, ત્યારે તેને ઓછામાં ઓછા 8 કલાક સુધી એવી જગ્યાએ રાખો જ્યાં તમારા હાથ તેને સ્પર્શી ન શકે.

દૂધ સંપૂર્ણપણે ઠંડુ ન હોવું જોઈએ

દહીં મેળવવુ હોય ત્યારે ખાસ ધ્યાન રાખો કે દૂધ ન તો સંપૂર્ણપણે ગરમ હોવું જોઈએ અને ન તો સંપૂર્ણપણે ઠંડુ હોવું જોઈએ. દૂધનું તાપમાન જાણવા માટે તેમાં એક આંગળી બોળો અને જો આંગળીમાં સહેજ હૂંફ લાગે તો દહીંને સેટ થવા માટે રાખો.

લીલા મરચાંનો પણ કરો ઉપયોગ

જ્યારે તમે દહીં મેળવો છો ત્યારે દૂધમાં મેળવણ ઉમેર્યા બાદ તેમાં ડીટાં સાથે એક લીલું મરચું ઉમેરી લો. લીલું મરચું તેમાં મૂકવાથી દહીં જલ્દી મળી જાય છે અને સાથે તેમાંથી પાણી અલગ થતું નથી. તમે ડેરી જેવું ઘટ્ટ દહીં ઘરે મેળવી શકો છો. તો આ ટ્રિક પણ કરો ટ્રાય.

  • Follow us on: