- શિંગોડાના લોટમાંથી બનાવી લો ટેસ્ટી ભજીયા
- ગરમાગરમ ભજીયાથી સંતોષાશે ભૂખ
- ડિનર કે બ્રેકફાસ્ટમાં કરી શકો છો ટ્રાય
ચૈત્ર નવરાત્રિનું વ્રત આજથી શરૂ થઈ ગયું છે. આ સમયે અનેક ભક્તો આખા દિવસનો ઉપવાસ કરતા હોય છે. કેટલાક લોકો માત્ર ફળાહાર કરીને જ ચલાવે છે. આથી સવાર-સાંજ જો એકની એક વાનગી પીરસવામાં આવે તો ખાવી ગમતી નથી. આથી આજે અમે તમારી માટે શિંગોડાના લોટમાંથી બનતી ભજીયાની રેસિપી લાવ્યા છીએ. તમે તેને સાંજના ડિનરમાં બનાવશો તો ચોક્કસથી પરિવારને મજા પડી જશે. બસ તો અત્યારથી જ નોંધી લો રેસિપી અને ટ્રાય કરો તમારા રસોડે.
શિંગોડાના લોટના ભજીયા
સામગ્રી
-3 થી 4 નંગ મધ્યમ કદના બટાટા
-5 ટેબલસ્પૂન શિંગોડાનો લોટ
-2 ટેબલસ્પૂન સિંગદાણા
-1 નંગ લીલું મરચું સમારેલું
-1 ટીસ્પૂન સૂકા દાડમના દાણા
-1/2 ટીસ્પૂન જીરૂં પાવડર
-સિંધવ મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
-પાણી જરૂર મુજબ
રીત
સૌપ્રથમ બટાટાને બાફી દો. ત્યાર બાદ તેને છોલીને મેશ કરી લો. હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં શિંગોડાનો લોટ ચાળી લો. ત્યાર બાદ તેમાં મેશ કરેલા બટાટા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. સિંગદાણાને એક કડાઈમાં ડ્રાય રોસ્ટ કરી લો. લાઈટ બ્રાઉન રંગના થાય એટલે તેને કાઢીને એક બાજુ મૂકી દો. હવે એ જ પેનમાં તમે સૂંકા દાડમના દાણાને ડ્રાય રોસ્ટ કરી લો. હવે મિક્સર જારમાં સિંગદાણા, દાડમના દાણા અને લીલું મરચું ઉમેરીને ક્રશ કરી લો. હવે આ મિશ્રણને બટાટાવાળા મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જીરૂં પાવડર અને સિંધવ મીઠું ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં ધીમે-ધીમે થોડું-થોડું પાણી ઉમેરતા જાવ અને ભજીયા માટેનું ખીરૂં તૈયાર કરો. એકદમ પાણી ના ઉમેરવું. નહીં તો ખીરું ઢીલું થઈ જશે. હવે ભજીયા માટેનું ખીરૂ તૈયાર થઈ ગયું છે તેને ઢાંકીને એકબાજુ મૂકી દો. આ દરમિયાન તેલ ગરમ કરવા માટે મૂકો. ગરમ તેલમાં ધીમા તાપે લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે ભજીયા તળો. ગરમા-ગરમ ભજીયાને ખજૂરની ચટણી સાથે, દહીં સાથે કે ચા સાથે તેને સર્વ કરો.