- મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર છે આ શાક
- શિયાળામાં ભાજીના શાક હેલ્થને આપે છે અનેક ફાયદા
- આ શાક ઘરે સરળતાથી બની શકે છે
હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે ત્યારે માર્કેટમાં અનેક ભાજી મળી રહી છે. તમે આ તાજી ભાજી ને પનીરની મદદથી ઘરે ખાસ શાક ઝડપથી બનાવી શકો છો. તેનો સ્વાદ નાના બાળકોથી માંડીને મોટેરાંઓને પણ ભાવે છે. લીલી ભાજીનું શાક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહે છે. પાલકના અને મેથીની લીલી તાજી ભાજી અને પનીરને મેળવીને બનાવવામાં આવેલું પનીર પાલક મેથીનું સૂકું શાક સ્વાદમાં તો લાજવાબ હોય જ છે. સાથે-સાથે તે મિનરલ અને પ્રોટિનથી ભરપૂર પણ હોય છે. જો તેને ઓછા મસાલાની સાથે બનાવવામાં આવે તો સાગનો સ્વાદ વધારે ઉભરીને આવે છે. અને આજે અમે તમારી માટે આવી જ રેસિપી લઈને આવ્યા છીએ.
સામગ્રી
-250 ગ્રામ પાલક ઝીણી સમારેલી
-250 ગ્રામ મેથી ઝીણી સમારેલી
-250 ગ્રામ પનીર
-2 થી 3 ટેબલસ્પૂન તેલ
-1 ચપટી હિંગ
-1/2 ટીસ્પૂન જીરૂં
-1/4 ટીસ્પૂન હળદર
-1 ટીસ્પૂન ધાણા પાવડર
-1 નંગ ટામેટું ઝીણું સમારેલું
-1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-2 નંગ લીલા મરચાં ઝીણા સમારેલી
-1/2 ટીસ્પૂન ખાંડ
-મીઠું સ્વાદાનુસાર
રીત
પનીરના સૌપ્રથમ 1-1 ઈંચના ચોરસ કટકા કરી લો. ત્યાર બાદ એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો. ગરમ તેલમાં પનીરના ટુકડા ઉમેરીને સાંતળો. લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. હવે આ ટુકડાને એક પ્લેટમાં કાઢી લો. હવે એ જ પેનમાં જે થોડું ઘણું તેલ વધ્યું હશે. તેમાં બીજું એક ચમચી તેલ ઉમેરીને ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે હિંગ ઉમેરીને 10 થી 15 સેકન્ડ સાંતળો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા મરચાં, ઝીણા સમારેલા ટામેટાં, હળદર, અને ધાણા પાવડર ઉમેરીને સાંતળો. મસાલાને થોડો સાંતળી લો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી મેથી, ઝીણી સમારેલી પાલક, મીઠું, લાલ મરચું પાવડર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. શાકને મધ્યમ તાપે ઢાંકીને પાંચ મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ ચેક કરો. શાક ચઢી ગયું હોય તો તેમાં પનીરના ટુકડા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. શાકને ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો. પનીર મેથી પાલકનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો. ગરમા-ગરમ શાકને પરાઠા કે નાનની સાથે સર્વ કરો.