• માણો મેથી મટર મલાઈના શાકની મજા
  • કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, મીનરલ્સનો ખજાનો છે મેથી
  • ટેસ્ટમાં આ શાક લાગે છે મસ્ત, પરાઠા સાથે ખાવાની પડશે મજા

શિયાળામાં શાકભાજી માર્કેટ તાજી-તાજી ભાજીથી ભરાઈ ગયું છે. એવામાં મેથીની ભાજી તો ખાવી જ પડે. પરંતુ એકનું એક મેથીની ભાજીનું શાક કે પરોઠા કે ભજીયા ના ભાવતા હોય તો, આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ મેથીમાંથી બનતી નવી વાનગી. જે જોઈને તમારા મોંઢામાંથી પાણી છુટી જશે. મેથી સ્વાદમાં કડવી લાગે છે પરંતુ, સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવતી હોય છે. મેથીને બીજી વસ્તુઓ સાથે મિક્સ કરીને બનાવામાં આવે તો તે એટલી કડવી નથી લાગતી. તેનામાં ન્યૂટ્રીશન વેલ્યુ ખૂબ વધારે હોય છે. તેમાંથી મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, મીનરલ્સ મળી રહેતા હોય છે. તો જાણો મેથી મટર મલાઈ બનાવવાની સિમ્પલ રેસિપિ અને કરી લો ડિનરમાં પ્લાન. સ્વાદ એવો જબર દસ્ત મળશે કે તમને મજા પડી જશે.

મેથી મટર મલાઈ

સામગ્રી

-2 ઝૂડી મેથી(મધ્યમ કદની ઝીણી સુધારેલી)

-3/4 કપ લીલા વટાણા

-1 મોટો નંગ ડુંગળી

-1/2 ઈંચનો પીસ આદું

-5થી 6 નંગ લસણ

- 10 નંગ કાજુ

-4 ટેબલ સ્પૂન તેલ

-1 ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ

-1/2 આમચૂર પાઉડર

-1/2 ટી સ્પૂન તજ પાઉડર

-1/2 કપ તાજું ક્રીમ કે મલાઈ

-મીઠું સ્વાદાનુસાર

રીત

મેથીને બરાબર ધોઈને સમારી લો. લીલાં વટાણાને પણ ધોઈને નીતારી લો. ડુંગળીને ઝીણી સમારી લો. આદું-લસણ, કાજુની પેસ્ટ બનાવી લો. મેથીને ગરમ પાણીમાં બરાબર ધોઈ લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી નાખીને બરાબર ચઢવા દો. ત્યાર બાદ મેથી નાખીને બરાબર હલાવીને ચઢવા દો. મેથી ચઢવા લાગે એટલે તેમાં આદું-લસણ, કાજુની પેસ્ટ નાખી બરાબર સાંતળી લો. ત્યાર બાદ વટાણા અને મરચું નાખીને ફરીથી બરાબર હલાવો. પાંચેક મિનિટ સુધી તેને ચઢવા દો. ત્યાર બાદ તજ પાઉડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ ફરીથી ત્રણેક મિનિટ સુધી ચઢવા દો. છેલ્લે તેમાં ક્રીમ કે મલાઈ નાંખી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો. તૈયાર છે ગરમા ગરમ મેથી મટર મલાઈ. મોટા ભાગે પંજાબમાં ખવાતી આ ડીશને પરાઠા સાથે સર્વ કરવાથી તેનો ટેસ્ટથી ખાવાની મજા આવે છે.

  • Follow us on: