- ફરાળી ઢોંસાથી સંતોષાશે ભૂખ
- મગફળીની સ્વાદિષ્ટ ચટણી સાથે પડશે મજા
- બટાકાની સૂકી ભાજી સાથે પણ ખાઈ શકશે
ભાજી અને ચટણીની સાથે ફરાળી ઢોંસા વ્રત કે ઉપવાસના દિવસોને માટે એક સંપૂર્ણ અને ફળાહારી આહાર છે. સામાના ચોખા, સાબુદાણા અને દહીંથી બનતા આ ક્રિસ્પી ઢોંસાનો સ્વાદ તમે એકવાર ચાખી લેશો તો તમને વારંવાર ભૂખ લાગશે નહીં. ફરાળી ભાજી એક નિયમિત બટાકાની ભાજી છે જેમાં કેટલાક મસાલા મિક્સ કરવામાં આવે છે. ફરાળી મગફળીની ચટણીની સાથે કે પછી લીલી ચટણીની સાથે તમે તેને પીરસી શકો છો. તો બનાવી લો ફરાળી ઢોંસા અને માણો પરિવારની સાથે મજા.
ફરાળી ઢોંસા માટેની સામગ્રી
- 1/2 કપ સામો
- 1/2 કપ રાજગરાનો લોટ
- 1/2 કપ ખાટી છાશ
- 1 મોટી ચમચી આદુ-મરચાની પેસ્ટ
- સ્વાદ અનુસાર સિંધવ મીઠું
- બનાવવા માટે મીઠું
- ચઢવવા માટે તેલ
સર્વ કરવા માટે
મગફળી- દહીંની ચટણી
જાણો બનાવવાની રીત
સૌ પહેલા સામાને સાફ કરો અને ધોઈ લો. એક બાઉલમાં પાણી લો અને તેમાં ઓછામાં ઓછા 2 કલાક માટે તેને પલાળી લો. આ પછી તેને ગાળી લો અને 2 મોટા ચમચા પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં તેને મુલાયમ થાય તેવી રીતે પીસી લો. હવે આ મિશ્રણને એક બાઉલમાં લો અને તેમાં રાજગરાનો લોટ, છાશ, આદુ-મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરો, તેને સારી રીતે હલાવી લો. હવે તેને ઢાંકીને રાતભર રહેવા દો. તેમાં મસ્ત આથો આવી જશે.
જ્યારે તમારે ઢોંસા ઉતારવા હોય તો તમે ખીરાને એકવાર સારી રીતે હલાવી લો અને સાથે એક ગેસ પર નોન સ્ટિક તવાને ગરમ કરવા મૂકો. એક કકરા ખીરાથી ગોળાકારમાં ઢોંસા બનાવવાની શરૂઆત કરો. ખીરું પાથરી લીધા બાદ તેની કિનારીઓ પર તેલ લગાવો અને ઢોંસાની કિનારી સોનેરી થાય ત્યાં સુધી તેને ચઢવા દો. હવે તેને ફેરવી લો અને પછી અડધો વાળી લો. આમ કરવાથી તમારો ઢોંસો તૈયાર થઈ જશે. તમે તેને ચટણી સાથે ખાઈ શકો છો. ગરમાગરમ ફરાળી ઢોંસા વ્રતમાં સંતોષ આપશે અને પેટ પણ ભરાશે.