• અનેક શાકના કારણે આ વાનગી હેલ્ધી બની જાય છે
  • રવાની સાથે છાશના કારણે તેનો ટેસ્ટ સૌને પસંદ આવે છે
  • હેલ્ધી બ્રેકફાસ્ટની ઈચ્છા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે

શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈ પણ સીઝન હોય ઉપમા એ એવો નાસ્તો છે જેને તમે ગમે ત્યારે મોજથી ખાઈ શકો છો. આ નાસ્તો બની પણ જલ્દી જાય છે. તેમાં છાશનો ઉપયોગ થતો હોવાથી તે ટેસ્ટી બને છે. આ સાથે તેમાં શાકનો ઉપયોગ પણ કરી શકાય છે. અનેક શાકના કારણે આ વાનગી હેલ્ધી બની જાય છે. સવારના સમયે જો હેલ્ધી બ્રેકફાસ્ટની ઈચ્છા હોય તો આ વાનગી ટ્રાય કરી લેવી જોઈએ. તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તો જાણો કેવી રીતે બનાવશો બેક્ડ મસાલા ઉપમા. અહીં સરળ રીત આપી છે તેને ફોલો કરીને તમે વધુ ટેસ્ટી ઉપમા બનાવી શકો છો.

બેક્ડ મસાલા ઉપમા

સામગ્રી

ઉપમા માટે

- બે કપ રવો

- ચાર કપ છાશ (પાતળી)

- બે નંગ લીલાં મરચાં

- એક નંગ ડુંગળી

- એક ટીસ્પૂન અડદની દાળ

- મીઠું

- તેલ

- રાઈ

- લીમડાનાં પાન

- થોડા કાજુના કટકા

લીલી ચટણી

- પચીસ ગ્રામ નાળિયેરનું ખમણ

- બે લીલાં મરચાં

- બે કટકા આદુ

- સાત લસણની કળી

- અડધી ઝૂડી લીલા ધાણા

- મીઠું પ્રમાણસર

લેયર માટે

- સો ગ્રામ લીલા વટાણા

- બે ટીસ્પૂન સૂકાં કોપરાનું ખમણ

- એક ટીસ્પૂન ધાણાજીરું

- અડધી ટીસ્પૂન ગરમ મસાલો

- અડધી ઝૂડી લીલા ધાણા

- મીઠું

- તેલ

- થોડી હિંગ

- ચપટી ખાંડ

રીત

એક પેન લો અને તેમાં રવાને ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવો. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને લીમડાનાં પાનનો વઘાર કરી, ડુંગળી કાપીને નાંખવી. બ્રાઉન કલર થાય એટલે છાશ નાંખવી. ઉકળે એટલે રવો, મીઠું અને લીલાં મરચાનાં બારીક કટકા નાંખવા. ગેસ ધીમો રાખવો. રવો બફાય એટલે કાજુના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું. વટાણાને બાફવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, ગરમ થાય એટલે થોડી હિંગ નાંખી, વટાણા વઘારવા. તેમાં મીઠું, ચપટી ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું અને કોપરાનું ખમણ નાંખી ઉતારી લેવા. લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા. ઓવન ટ્રેને તેલ લગાડી પહેલાં અડધા ભાગની ઉપમા નાંખી તેના ઉપર ચટણીનો થર કરવો. તેના ઉપર વટાણાનું લેયર કરવું. ફરી બાકી રહેલી ઉપમા પાથરી દેવી. ગરમ કરેલા ઓવનમાં બેક કરી લેવું. લીલી ચટણી સાથે પીરસવું. આ ઉપમાના નાસ્તાથી તમારી સવાર ખાસ બની જશે અને તમે હેલ્ધી ફીલ કરશો. 

  • Follow us on: