• શરીરમાં હીમોગ્લોબિનનું લેવલ વધારે છે ખજૂર
  • પેટની સમસ્યાને દૂર કરવામાં ખજૂરના લાડુ કરશે મદદ
  • ખજૂરનું ફાઈબર પાચનશક્તિને મજબૂત બનાવે છે

ઠંડીએ રંગ પકડ્યો છે તો હવે શરીરને સાચવવાનો પણ સમય પણ આવી ગયો છે. શિયાળો એટલે હેલ્ધી વસ્તુઓ ખાવાની મદમસ્ત મોસમ. તો આવો આજે માણી લઈએ એવી વસ્તુઓની મજા જે ખાવાની પડે છે એકદમ મજા. ખજૂરનું સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિનનું લેવલ વધી જાય છે અને તમને ઉર્જાથી ભરી દે છે. જે લોકો પેટની સમસ્યાથી પરેશાન રહે છે તેમણે સવારે ખજૂર કે તેના આ લાડુ શિયાળામાં જરૂર ખાવા જોઈએ, તેમાં હાજર ફાઈબર પાચનશક્તિને મજબૂત બનાવે છે અને જેનાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઈ જાય છે.તો જાણો કઈ રીતે બનાવશો આ લાડુ ઘરે. જેથી તમારી હેલ્થ પણ સચવાઈ રહે.

સામગ્રી

- અડધો કિલો બી વગરનાં ખજૂર

- એક ટીસ્પૂન ઘી

- ચાર ટીસ્પૂન બદામની કતરણ

- ચાર ટીસ્પૂન કાજુની કતરણ

- ચાર ટીસ્પૂન રવો

- ચાર ટીસ્પૂન પિસ્તાંની કતરણ

- એક ચપટી ગ્રીન એલાયચી પાઉડર

- ત્રણ ટીસ્પૂન બૂરું ખાંડ

- અડધો કપ નારિયેળનું છીણ

રીત

એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરી બદામ, કાજુ, પિસ્તાં અને રવાને ૬થી ૮ મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. ત્યારબાદ તેમાં ખજૂર નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં ગ્રીન એલાયચી પાઉડર, બૂરું ખાંડ અને નારિયેળનું છીણ નાખી સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડું થવા દો. મિશ્રણ સહેજ ઠંડું થાય એટલે તેના નાના નાના લાડુ બનાવી સર્વ કરો.

  • Follow us on: