• અનેક શાકની મદદથી બને છે ઊંધિયું
  • સામાન્ય મસાલાથી મળે છે ઊંધિયાને ટેસ્ટી સ્વાદ
  • મેથીના મૂઠિયા વિના અધૂરું રહેશે ઊંધિયું

ગુજરાતીઓના તહેવાર ખાણીપીણી વગર અધૂરા ગણાય છે અને આવો જ એક તહેવાર એટલે કે ઉત્તરાયણ. આ તહેવાર જેણે વિશ્વ ફલક પર ગુજરાતીઓની આગવી ઓળખ ઉભી કરી છે તે છે ઉત્તરાયણ. આ તહેવારને મકર સંક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ એટલે પતંગ, દોરી, તલ સાંકળી અને ઊંધિયું, જલેબી. આ થઈ ગઈ આપણી ઉત્તરાયણની વ્યાખ્યા. બસ તો જાણો સરળ રીતે ઘરે કઈ રીતે પરફેક્ટ માપ સાથે ઊંધિયું બનાવી શકાય.

ઊંધિયું

સામગ્રી

-500 ગ્રામ પાપડી

-500 ગ્રામ લીલા વટાણા

-250 ગ્રામ રતાળુ

-250 ગ્રામ શક્કરિયા

-250 ગ્રામ નાની બટાકીઓ

-200 ગ્રામ તુવેર

-200 ગ્રામ નાના રીંગણ

-100 ગ્રામ કોથમીર

-50 ગ્રામ લીલું લસણ

-50 ગ્રામ વાટેલા તલ

-2 ચમચી ધાણાજીરૂં

-2 ચમચી લાલ મરચું

-1 વાટકો મેથીના મુઠીયા

-2 ચમચી ખાંડ

-1 ચમચી અજમો

-1 ચમચી ગરમ મસાલો

-1 ચમચી આદું-મરચાંની પેસ્ટ

-મીઠું સ્વાદાનુસાર

-વઘાર માટે તેલ

-1 વાટકી લીલા નારિયેળનું ખમણ

રીત

સૌપ્રથમ એક તપેલામાં 6 ટેબલ સ્પુન તેલ ગરમ કરો. તેમાં અજમાનો વઘાર કરો. આ વઘારમાં સાફ કરેલી પાપડી નાંખો. થોડો સોડા અને થોડુ મીઠું નાખી તેને ખદબદવા દો. ત્યારબાદ તેમાં કાપા પાડેલા શક્કરીયા, બટાકા, રીંગણ, રતાળુ અને લીલા મરચાં ઉમેરો. હવે તેમાં વાટેલુ આદું, કોથમીર, લીલું લસણ, ધાણા પાઉડર, મીઠું, વાટેલા તલ, નાળીયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તપેલા પર એક થાળી ઢાંકો. આ થાળીમાં પાણી ભરી રાખો. જેથી તે પાણીની વરાળ તપેલાની અંદરની સાઈડ ઉતરે અને શાક સારી રીતે ચઢે. જો થોડી થોડી વારે તપેલામાંના શાકને હલાવવું. શાક ચઢી જાય એટલે ગેસ બંધ કરી દેવો. પછી આ તૈયાર થયેલા શાકમાં મુઠીયા ઉમેરી દેવા અને તપેલાને ફરી ઢાંકી દેવું. 15 મિનિટ શાકને તપેલામાં ઢાંકેલુ રાખવું. બાદમાં આ શાકને કોથમીર અને લીલા લસણથી ગાર્નિશ કરી સર્વ કરો. જો તમારે તપેલાંમાં ઊંધિયું ન બનાવવું હોય તો કુકરમાં બનાવો. મસાલો કરીને શાક ઉમેર્યા બાદ 2 સિટી બોલાવી લો. તમારું મનપસંદ ગરમાગરમ ચટાકેદાર ઊંધિયું તૈયાર છે. તમે તેને તલ સાંકળી, જલેબી અને પુરી સાથે સર્વ કરી શકો છો. 

  • Follow us on: