- અહીંનું શિવલિંગ 30 ફૂટથી વધુ ઊંચું છે
- શિવલિંગના દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે
- 100 મીટર સુધી ખુલ્લા પગે બરફમાં ચાલીને ભક્તો કરે છે દર્શન
ફરવાના શોખીનો ક્યાંય પણ પહોંચી જતા હોય છે. તેમને કોઈના સાથની જરૂર હોતી નથી. અને તેમાં પણ જો ભોલેનાથની ઈચ્છા થાય તો તમે તેમના દર્શને એકલા જ પહોંચી શકો છો. જી હા, મનાલીથી 25 કીમી દૂર પહાડો પર બરફમાં ભોલેનાથનું એક ખાસ મંદિર છે. આ જગ્યાનું નામ છે અંજની મહાદેવ. જો તમે મનાલીનો પ્લાન કરો છો તો આ મંદિરના દર્શન અચૂક કરજો. અંજની મહાદેવમાં સાડા અગિયાર હજાર ફૂટની ઉંચાઈએ બનેલું કુદરતી શિવલિંગ છે. અહીં જઈને તમે ન માત્ર શાંતિનો અનુભવ કરશો પરંતુ સફર પણ મજેદાર બની જશે. આટલી ઊંચાઈ પર બનેલા શિવલિંગને જોવા માટે પ્રવાસીઓ પણ અહીં રસ દાખવી રહ્યા છે. તો ચાલો તમને પણ આ અદ્ભુત જગ્યાએ લઈ જઈએ.
શિવલિંગ 30 ફૂટથી વધુ ઊંચું છે
અંજની મહાદેવ મંદિરમાં શિવલિંગની સાઈઝ 30 ફૂટથી વધુ ઉંચી થઈ ગઈ છે. અંજની મહાદેવ પરથી પડતો ધોધ બરફમાં ફેરવાઈને શિવલિંગનું રૂપ ધારણ કરી રહ્યો છે. તાપમાન શૂન્ય પર રહેવાને કારણે તેનું કદ સતત વધી રહ્યું છે. એપ્રિલ, મે અને જૂનમાં શિવલિંગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
શિવલિંગના દર્શનથી થાય છે મનોકામના પૂરી
એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં માતા અંજનીએ પુત્ર મેળવવા અને મોક્ષ મેળવવા માટે તપસ્યા કરી હતી અને ભગવાન શિવે તેમના દર્શન કર્યા હતા. ત્યારથી અહીં કુદરતી રીતે બરફના શિવલિંગની રચના થઈ છે. એવું પણ કહેવાય છે કે આ શિવલિંગના દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
બરફ પર ઉઘાડા પગે ચાલીને જાય છે ભક્તો
અંજની મહાદેવના દર્શન ખુલ્લા પગે ચાલીને કરવામાં આવે છે અને આ બરફ ભક્તોને નુકસાન પહોંચાડતો નથી. તેમને 100 મીટર સુધી ખુલ્લા પગે ચાલવું પડે છે. તમે મનાલીથી સોલંગનાલા સુધી 15 કિલોમીટરની મુસાફરી ટેક્સી દ્વારા કરી શકો છો. સોલંગનાલાથી અંજની મહાદેવ સુધીની પાંચ કિલોમીટરની યાત્રા પગપાળા અથવા ઘોડા દ્વારા કરી શકાય છે.