• નાસ્તા માટે બનશે બેસ્ટ ઓપ્શન
  • બાળકોથી લઈને મોટેરાંઓને આવશે પસંદ
  • સીઝનલ વસ્તુઓથી બનતા હોવાથી મળશે ખાસ ટેસ્ટ

ગુજરાતી ઢોકળા તો હવે વર્લ્ડ ફેમસ થઈ ગયા છે. એમાં વળી આપણા ઘરે તો વાર-તહેવારે નાસ્તામાં ક્યારેક તો ડિનરમાં પણ ઢોકળાંની રંગત જામતી હોય છે. જો કે જો ઘરવાળા એકના એક પ્રકારના ઢોકળા ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ ઢોકળા ટ્રાય કરી શકો છો. તેમાં મકાઈનો ઉપયોગ થતો હોવાથી તે સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે. તો જાણો સિમ્પલ રેસિપિ.

સ્વીટ કોર્ન ઢોકળા

સામગ્રી

- 2 કપ સ્વીટ કોર્ન

- 1 કપ સોજી

- 1 ચપટી હળદર

- 1 કપ દહીં

- મીઠું સ્વાદાનુસાર

- 1 ઇંચનું આદુ-પીસેલું

- 1 લીંબુ

- 3/4 નાની ચમચી ઈનો પાવડર

- 2 થી 3 ટેબલસ્પૂન તેલ

- 1 નાની ચમચી રાઈ

- 10 થી 12 લીમડાના પત્તા

- 1 થી 2 નંગ લીલા મરચાં સમારેલા

- કોથમીર

રીત

દહીંને ફેંટીને સોજીનો લોટ તેમાં સારી રીતે મિક્સ કરી લો. સ્વીટ કોર્નને ક્રશ કરી તેનું ક્રીમ જેવું મિશ્રણ તૈયાર કરી લો. દહીં અને સોજીના મિશ્રણમાં સ્વીટ કોર્ન ક્રીમ, મીઠું, હળદર અને આદુની પેસ્ટ મિક્સ કરી લો. મિશ્રણમાં લીંબુનો રસ નીચોવી દો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય એટલે 5 મિનિટ માટે રહેવા દો. હવે તેમાં ઈનો પાવડર મિક્સ કરો અને એકવાર સારી રીતે હલાવી લો. હવે ઢોકળિયામાં અઢી કપ પાણી નાંખી ગરમ કરો. હવે એક થાળીમાં તેલ લગાવી તેમાં ઢોકળાનું મિશ્રણ નાંખી તૈયાર રાખો. પાણી ગરમ થાય એટલે તેમાં ઢોકળાની થાળી મૂકીને ઢાંકી દો. દસથી પંદર મિનિટ બાદ ચેક કરવું. જો ઢોકળા ચઢી ગયા હોય તો કાઢીને આવી રીતે જ બીજી થાળી મૂકવી.

ગરમાગરમ ઢોકળા તૈયાર થઈ જાય એટલે તેની પર તેલ, રાઈ, લીમડાના પાન અને લીલા મરચાનો વઘાર કરો. આ ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી લાગે છે. મકાઈનો સ્વાદ આવવાના કારણે આ ઢોકળા અલગ જ ટેસ્ટ આપે છે અને તેને ખાવાની ચોમાસામાં મજા આવે છે. 

  • Follow us on: