બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી ચોકલેટ લગભગ દરેકની પ્રિય રહી છે. સામાન્ય ચોકલેટ કરતાં ડાર્ક ચોકલેટને વધુ સ્વસ્થ માનવામાં આવે છે કારણ કે તેમાં કોકોની માત્રા વધુ અને ખાંડ ઓછી હોય છે. ઘણા લોકો તેને વજન ઘટાડવાના ડાયેટ દરમિયાન પણ ખાય છે અને ઘણા માટે તો તે એક ઉત્તમ મૂડ બૂસ્ટર છે. અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે ચોકલેટ દાંત અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે, પરંતુ હવે નવા સંશોધનમાં ડાર્ક ચોકલેટ વિશે એક સકારાત્મક અને ચોંકાવનારી વાત સામે આવી છે.
વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં શું છે ?
વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોકોમાં કુદરતી રીતે મળતું એપિકેટેચિન નામનું સંયોજન કોષોના સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સંયોજન એક પ્રકારનો ફ્લેવેનોલ છે, જે માત્ર ડાર્ક ચોકલેટમાં જ નહીં પરંતુ અનેક છોડ આધારિત ખોરાકમાં પણ જોવા મળે છે. સંશોધકોનું કહેવું છે કે આ તત્વ શરીરને વધુ સ્વસ્થ રીતે વૃદ્ધ થવામાં મદદ કરી શકે છે, જોકે તેને કોઈ જાદુઈ એન્ટી-એજિંગ ઉપચાર માનવો યોગ્ય નથી.
આ કેવી રીતે કરી શકે છે અસર
અભ્યાસમાં ખાસ કરીને એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું હતું કે એપિકેટેચિન આપણા રક્ત વાહિનીઓના આંતરિક અસ્તર પર કેવી રીતે અસર કરે છે. ઉંમર વધતાં આ અસ્તર ધીમે ધીમે નબળું પડે છે, જેના કારણે રક્ત પ્રવાહ પર અસર પડે છે. નબળો રક્ત પ્રવાહ હૃદય, મગજ, ત્વચા અને સમગ્ર શરીરના ઊર્જા સ્તરને અસર કરે છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે એપિકેટેચિન રક્ત વાહિનીઓને વધુ સારી રીતે કાર્ય કરવા મદદ કરે છે અને નાઈટ્રિક ઑકસાઈડના સ્તરમાં સુધારો કરે છે, જે સામાન્ય રીતે ઉંમર વધતાં ઘટતું જાય છે. આ કારણે રક્ત વાહિનીઓ વધુ યુવાનની જેમ કાર્ય કરી શકે છે.
સીધી ચોક્લેટ ના ખાવી જોઇએ
અભ્યાસમાં મહત્વની વાત એ છે કે સંશોધકોએ સીધી ચોકલેટ ખવડાવી નહોતી, પરંતુ શુદ્ધ અને નિયંત્રિત એપિકેટેચિનનો ઉપયોગ કર્યો હતો. એટલે કે, ડાર્ક ચોકલેટ ખાવાથી આવું જ પરિણામ ચોક્કસ મળશે એવો દાવો કરી શકાય નહીં. છતાં, આ અભ્યાસ એ તરફ ઈશારો કરે છે કે કુદરતી છોડ આધારિત રસાયણો આપણા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
શું વધારે પડતી ડાર્ક ચોકલેટ ખાવું જોઈએ?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું વધારે પડતી ડાર્ક ચોકલેટ ખાવું જોઈએ? જવાબ સ્પષ્ટ છે કે નહીં. ડાર્ક ચોકલેટમાં એપિકેટેચિન હોય છે, પરંતુ સાથે સાથે તેમાં ખાંડ, ઊંચી કેલરી અને સંતૃપ્ત ચરબી પણ હોય છે. દરરોજ મોટી માત્રામાં તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેથી ફક્ત ચોકલેટ પર આધાર રાખવાને બદલે, ફ્લેવેનોલ્સથી ભરપૂર અન્ય ખોરાકને આહારમાં સામેલ કરવું વધુ સમજદારીભર્યું છે.
તણાવ ઘટાડવામાં મદદરૂપ
સફરજન, દ્રાક્ષ, ચા અને વિવિધ છોડ આધારિત ખોરાકમાં ફ્લેવેનોલ્સ સારી માત્રામાં મળે છે. આવા ખોરાક નબળા રક્ત પરિભ્રમણ, બળતરા અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. સાથે સાથે તે હૃદય અને ચયાપચય સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે, જે વૃદ્ધત્વની પ્રક્રિયાને સ્વસ્થ રીતે આગળ વધવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : Christmas Gift 2025 : ક્રિસમસ તહેવારમાં સિક્રેટ સાન્ટા બની કયારેય આ ગિફ્ટ ના આપવી જોઈએ