આહારમાં લેવાતું ઘી શરીર માટે ગુણકારી છે. બજારના ઘી કરતા દેશી ઘીનું સેવન બહુ ફાયદાકારક છે. ઘી શરીરના સ્વાસ્થય માટે અને ત્વચા માટે પણ અનેક રીતે ઉપયોગી છે. દેશી ઘીનું દરરોજ વિવિધ રીતે સેવન કરવાથી તમે ઉર્જાવાન અને સક્રિય રહેશો. રસોડામાં હાજર અનેક વસ્તુઓ ત્વચા માટે ઉપયોગી છે. સૂર્યપ્રકાશથી ટેનિંગ, ખીલ, શુષ્કતાપણું જેવી અનેક ત્વચા સંબંધિત સમસ્યામાં દેશી ઘીનો ઉપચાર રામબાણ ઔષધિ છે.
સુંદર ત્વચા માટે ઘીનો ઉપચાર
ત્વચાની અનેક સમસ્યામાં ઘી લાભદાયી છે. નિસ્તેજ ચહેરામાં નિખાર લાવવા આંગળીઓ પર થોડું હૂંફાળી ઘી લો. પછી તેને ગરદનના ભાગથી લઈને ચહેરા પર હળવા હાથે માલિશ કરો. તે ઊંડે સુધી જશે અને એક કુદરતી મોશ્ચરાઈઝરનું કામ કરશે. ત્વચા ખૂબ ડ્રાય અને રફ થઈ ગઈ હોય તો ન્હાતા પેહેલાં શરીર પર, ચહેરા પર ઘીથી માલિશ કરો. તમારી ત્વચા રેશમ જેવી મુલાયમ અને નરમ બનશે. આંખો નીચે ડાર્ક સર્કલ થવા આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે. આ સમસ્યા દૂર કરવા રાત્રે સૂતા પહેલા આંગળી પર ઘીનું ટીપું લઈ હળવા હાથે ડાર્ક સર્કલ હોય તે સ્પોટ પર નિયમિતપણે માલિશ કરવી. હોઠ ફાટી જતા હોય કે ખૂબ શુષ્ક હોય છે. તો રાત્રે હોઠ ઉપર ઘી લગાવાથી સુકોમળ બનશે.













