દરેક છોકરી ઈચ્છે છે કે તેનો લુક એકદમ પરફેક્ટ અને આકર્ષક દેખાય. આ માટે સારા આઉટફિટની સાથે આત્મવિશ્વાસ અને સારી હાઈટ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ જે છોકરીઓની હાઈટ થોડી ઓછી હોય છે, તેઓ અવારનવાર પોતાને લાંબી બતાવવા માટે હાઈ હીલ્સનો સહારો લેતી હોય છે. જોકે, હીલ્સને કલાકો સુધી પહેરી રાખવી અત્યંત દર્દનાક સાબિત થઈ શકે છે. તેનાથી માત્ર પગમાં દુખાવો કે છાલા જ નથી પડતા, પરંતુ લાંબે ગાળે પીઠ અને કમરના દુખાવાની ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.


પરંતુ શું તમે જાણો છો કે હાઈ હીલ્સ પહેર્યા વિના પણ તમે કપડાંની સ્માર્ટ પસંદગી કરીને લાંબી અને સ્લિમ દેખાઈ શકો છો? ફેશન નિષ્ણાતોના મતે, કેટલીક સરળ ટ્રિક્સ અને હેક્સ અપનાવીને નાની હાઈટ ધરાવતી છોકરીઓ પણ ભવ્ય લુક મેળવી શકે છે.

૧. મોનોક્રોમ લુક ટ્રાય કરો

માથાથી લઈને પગ સુધી એક જ રંગ અથવા એક જ શેડના કપડાં પહેરવાને મોનોક્રોમ લુક કહેવામાં આવે છે. ઓછી હાઈટવાળી યુવતીઓ માટે આ ટિપ સૌથી બેસ્ટ છે. એક જ કલર ટોન હોવાને કારણે શરીરમાં એક સરખો વર્ટિકલ લુક ક્રિએટ થાય છે, જેનાથી હાઈટ વધુ હોવાનો ભ્રમ ઊભો થાય છે.

૨. 'V-Neck' લાઈન પસંદ કરો

જો તમે લાંબા દેખાવા માંગો છો, તો કુર્તી, ટોપ કે ટી-શર્ટ ખરીદતી વખતે ગોળ ગળાને બદલે હંમેશા 'V-Neck' એટલે કે વી-આકારના ગળાની પસંદગી કરો. વી-નેક આઉટફિટ્સ પહેરવાથી તમારું ગળું અને કોલર બોન સ્પષ્ટ દેખાય છે, જે શરીરના ઉપરના ભાગને લાંબો લુક આપે છે.

૩. વર્ટિકલ સ્ટ્રાઈપ્સ (ઉભી ધારીઓ)

કપડાંની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે આડી ધારીઓ (Horizontal Stripes) વાળા આઉટફિટ્સ ન ખરીદો, કારણ કે તે તમને વધુ પહોળા અને ટૂંકા દર્શાવે છે. તેના બદલે ઉભી ધારીઓ (Vertical Stripes) વાળા કપડાં પહેરો, જે શરીરને સ્લિમ અને ટોલ લુક આપે છે.

૪. હાઈ-વેસ્ટ બોટમ્સ

ભલે તમે જીન્સ પહેરો, સ્કર્ટ કે ટ્રાઉઝર, હંમેશા 'હાઈ-વેસ્ટ' કટ જ પસંદ કરો. હાઈ વેસ્ટ પેન્ટ પહેરવાથી પગ લાંબા દેખાય છે, જેના કારણે આખી બોડી આપોઆપ લાંબી અને સુડોળ લાગે છે.

૫. પોઇન્ટેડ-ટો ફૂટવેર

હીલ્સ ન પહેરવી હોય તો ક્યારેય આગળથી ગોળ હોય તેવા ફ્લેટ્સ ન પહેરો. તેના બદલે આગળથી અણીદાર એટલે કે પોઇન્ટેડ-ટો (Pointed-toe) ફ્લેટ્સ અથવા જૂતી પહેરો. તે તમારા પગને લંબાઈ આપે છે.

આ સાથે જ, વાળમાં હાઈ બન અથવા હાઈ પોનીટેલ બનાવવાથી અને પહોળી બેલ્ટને બદલે પાતળી બેલ્ટનો ઉપયોગ કરવાથી પણ હાઈટ વધુ હોવાનો વિઝ્યુઅલ ભ્રમ પેદા થાય છે. ખુબ વધારે ઢીલા કે ઓવરસાઈઝ્ડ કપડાં પહેરવાનું ટાળો અને હંમેશા પ્રોપર ફિટિંગ વાળા જ કપડાં પસંદ કરો.

આ પણ વાંચો:Salary Savings: મહિનાના અંતે ખાલી થઈ જાય છે ખિસ્સું? દિલ્હીના આ યુવાનનો પ્રયોગ તમારા વિચારો બદલી નાખશે

  • Follow us on: