અત્યારે ઉનાળાની ગરમી સૂરજદાદાના આકરા તાપથી લોકો ત્રાહિમામ થાય છે. ઉનાળામાં ગરમીની સાથે ફળોના રાજા કેરીનું આગમન થતું હોય છે. લગભગ તમામ ઘરોમાં દરરોજ કેસર અને આફૂસ સહિતની કેરીઓ વિવિધ પ્રકારે ભોજનમાં સામેલ કરાય છે. કેરીમાં અનેક પ્રકારના પોષક તત્ત્વો રહેલા છે. વિટામિન સી અને બીટા કેરોટીન ઉપરાંત કેરીમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ અને પોટેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે.
કેરીનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરી તમામને પ્રિય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેનું કેરી સાથે સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેરીના રસિયાઓ માટે આ વાત જાણવી જરૂરી છે.
આજના લેખમાં અમે તમને જણાવીશું કે ઉનાળાના કહેવાતા સુપરફુડ કેરી સાથે કયારે પણ આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ.
દૂધ : કેરી સાથે તરત જ દૂધ પીવું પાચન તંત્ર માટે મુશ્કેલ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે કાચી કેરી હોય ત્યારે કયારે પણ તરત જ અથવા સાથે દૂધના પીવું. આયુર્વેદ મુજબ દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યા થાય છે. દૂધ અને કાચી કેરી અથવા ખાટી વસ્તુનું આ સંયોજન ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે. કેટલાક સંજોગોમાં લોકોને સફેદ કોઢ જેવી સમસ્યા પણ થાય છે.
તળેલા મસાલેદાર ખોરાક : એવું કહેવાય છે કે કેરીની તાસીર ગરમ હોય છે. એટલે કયારેય કેરી સાથે તીખા ખોરાકનું સેવન ના કરવું જોઈએ. તીખા અને તળેલા ખોરાક ખાવાથી કેટલાક લોકોને એસિડિટી થતી હોય છે. જો આ ખોરાક સાથે કેરીનું સેવન કરવામાં આવે તો પેટમાં વધુ ગરમી ઊભી થાય છે. એસિડીટીના કારણે ખાટા ઓડકાર આવે છે અને પિત્તની સમસ્યા થાય છે.
ઠંડા પીણા : કેરી સાથે કૂલડ્રિંક્સ પીવાથી પેટમાં ગેસ, એસિડિટી અને પાચન તંત્રમાં દોષ થઈ શકે છે. કેરી ખાઈને તરત જ બહુ વધારે પાણી પીવું પાચનમાં વિક્ષેપ લાવી શકે છે.
દહીંનું સેવન : વાસ્તવમાં, દહીંમાં ઠંડી અસર હોય છે, જ્યારે કેરીમાં ગરમ અસર હોય છે. આ બંને વસ્તુઓનું એકસાથે સેવન નુકસાનકારક છે. તેને એકસાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કેરી અને દહીં એકસાથે ખાવાથી ત્વચા પર ફોલ્લા પણ થઈ શકે છે.
નોન-વેજ ખોરાક : કેરી સાથે ક્યારેય પણ માંસાહાર ન ખાવું જોઈએ. તેને ખાવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તવમાં, કેરી સ્વાદમાં ભલે મધુર હોય પરંતુ પચવામાં ભારે હોય છે. અને માંસાહારી ખોરાકને પણ પચવામાં ઘણો સમય લાગે છે. તેથી કેરી અને માંસાહારી ખોરાકનું એકસાથે સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યા ઉભી થાય છે. લગભગ બંને વચ્ચે ઓછામાં ઓછા ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.