વરસાદનું આગમન થતા જ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. વરસાદની સાથે ખાવાના શોખીનોને સાંજે ચાની સાથે ટેસ્ટી ગોટા, વડા અને ભજીયા ખાવાનું મન થતું હોય છે. સામાન્ય વરસાદ પડતા દાળવડાંની લારીઓ અને ભજીયાની લારીઓ પર લાંબી લાઈનો જોવા મળે છે. પરંતુ કેટલાક લોકોને બહાર લારીઓ પર મળતા આ ટેસ્ટી નાસ્તા ખાવા પસંદ નથી હોતા. અને જ્યારે આવા લોકો ઘરે મહેમાન બને ત્યારે તેમને કયો નાસ્તો આપવો તેને લઈને મૂંઝવણ થતી હોય છે. આજની અમારી રેસીપી તમારી આ સમસ્યા દૂર કરશે.


આજે અમે તમને ફરસાણ અને નાસ્તામાં બનાવી શકાય તેવા નવી વેરાયટીના પનીર પકોડાની વાનગીની સરળ રેસીપી જણાવીશું. આ પનીર પકોડા બનાવવા તમારે વધારે સામગ્રીની પણ જરૂર નહીં પડે. ચાલો જાણીએ ઘરે કેવી રીતે બજાર જેવા પનીર પકોડા બનાવી શકીએ.

પનીર પકોડા બનાવવાની સામગ્રી

100 ગ્રામ પનીર, 1 કપ ચણાનો લોટ (બેસન), અડધી ચમચી સેલરી, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠું, તળવા માટે તેલ, મરચાંની ચટણી.

પનીર પકોડા બનાવવાની રીત

  • આ પકોડા બનાવવા માટે તમે સૌ પ્રથમ ચણાના લોટને ચાળી લો. પછી આ ચણાના લોટમાં રોજિંદા ઉપયોગમાં લેવાતા મસાલા મીઠું, લાલ મરચું પાવડર, અજમા, એક ચપટી હિંગ ઉમેરો.
  • આ ઉપરાંત પકોડા સ્વાદિષ્ટ કરવા તમે ગરમ મસાલો અને એક ચમચી ચાટ મસાલો ઉમેરી શકો છો. આ મસાલા ખીરુંમાં નાખ્યા બાદ હવે આ ચણાના લોટના મિશ્રણમાં ધીમે ધીમે પાણી ઉમેરો અને ખીરું બનાવો. અને એક દિશામાં આ મિશ્રણને ફેરવો જેથી તેમાં ગઠ્ઠા ના રહી જાય. યાદ રાખો કે આ ખીરું ખૂબ પાતળું ન હોવું જોઈએ. 
  • ખીરું બનાવ્યા બાદ પનીરના નાના ટુકડા કરો. તમે ડાયમંડ અથવા તો ચોરસ કોપઈણ શેપમાં આ ટુકડા કાપી શકો છો. પરંતુ યાદ રાખો કે પનીરના આ ટુકડા થોડા જાડા રાખવા. હવે આ બધા ટુકડાઓની વચ્ચે છરીથી એક નાનો કાપો મૂકો અને તેમાં લીલી ચટણી અથવા મરચાંની ચટણી ભરો. આનાથી પકોડા મસાલેદાર અને સ્વાદિષ્ટ બનશે.
  • ત્યારપછી ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે, પનીરના ટુકડાને ચણાના લોટના ખીરામાં બોળીને સારી રીતે કોટ કરો. પછી આ પનીરના ટુકડાને તમારા હાથથી અથવા ચમચીની મદદથી તેલમાં નાખો. તેમને સોનેરી થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર આ ટુકડાને તળો. થઈ ગયા તૈયાર તમારા પનીર પકોડા. તમે આ પકોડા ટામેટાની ચટણી અથવા કોથમીરની ચટણી સાથે ખાઈ શકો છો.

  • Follow us on: