ગરમીની સિઝનમાં મહેમાન ઘરે આવે તો નાસ્તામાં શું બનાવવું તે એક મોટી સમસ્યા બને છે. આજે જ્યારે પણ કોઈ મહેમાન ઘરે આવવાના હોય ત્યારે અગાઉથી જાણ કરે છે. અને ત્યારબાદથી શું બનાવું..શું બનાવુંની મહિલાઓને ચિંતા થવા લાગે છે. આજના લેખમાં અમને તમને હરાભરા કબાબની વાનગી વિશે જણાવીશું જે નાસ્તા માટે અને ડિનર માટે પણ બેસ્ટ ઓપ્શન બની શકે છે. જાણો આ વાનગી બનાવવાની રીત.
હરાભરા કબાબ બનાવવાની સામગ્રી
આ વાનગી બનાવવા તમારે રોજિંદા વપરાશમાં લેવાતા આ મસાલા લો. 1 ટેબલસ્પૂન તેલ, 1/2 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1/2 ટીસ્પૂન આમચૂર, 1 ટીસ્પૂન સંચળ, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણાનો પાવડર, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1/4 કપ લીલા ધાણા બારીક સમારેલા, 1 ટીસ્પૂન કસૂરી મેથી, 2 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને 2 ટેબલસ્પૂન ફુદીનો બારીક સમારેલો
- 300 ગ્રામ પાલક (સાફ કરેલી)
- 1/2 કપ લીલા વટાણા
- 1/4 કપ ગાજર બારીક સમારેલું
- 1/4 કપ ફણસી બારીક સમારેલી
- 1/4 કપ ફ્લાવર છીણેલું
- 1 નંગ બટાકુ બાફેલું
- 1 કપ ફ્રેશ બ્રેડ ક્રમ્સ
- 1 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર
- 12 નંગ કાજુના ફાડા
- 1 કપ ડ્રાય બ્રેડ ક્રમ્સ

હરાભરા કબાબ બનાવવાની રીત
- આ વાનગી બનાવવા તમે સૌપ્રથમ પાલક અને લીલા વટાણાને ઉકળતા પાણીમાં ઉમેરીને ગેસ બંધ કરી દેવો. પાણીમાં મીઠું ઉમેરવું. પાંચ મિનિટ પછી પાલક અને વટાણાને પાણીમાંથી બહાર કાઢીને તેમાંથી પાણી નિતારી એક મિક્સર જારમાં ઉમેરી પેસ્ટ બનાવો.
- ત્યારબાદ પેનમાં કે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તતડે પછી તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને મીડીયમ તાપ પર સાંતળો. પછી ઝીણા સમારેલા બધા શાકભાજી ઉમેરીને હલાવી દો. અને શાકભાજીને પાઉભાંજીના શાકની જેમ ચોપરથી મેશ કરી દો. હાઈ ફલેમ પર ચાર થી પાંચ મિનિટ માટે શાકભાજીને પકવી તેમાં પાલક વટાણા ની પેસ્ટ અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લઈને બધું પાણી ઉડી જાય ત્યાં સુધી પકવો.
- બાફેલા બટાકાને છીણીને પાલકના મિશ્રણમાં ઉમેરી રોજિંદા મસાલા નાખી બરાબર હલાવી ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ થાય તેમાં કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સ ઉમેરીને બરાબર હલાવી લેવું. મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેમાંથી એક સરખા 12 - 15 કબાબ બનાવી (ગોળા વાળવા અથવા તમે પેટીસની જેમ પણ આકાર આપી શકો છો) લેવા. હવે તેને ડ્રાય બ્રેડક્રમ્સ માં રગદોળીને ઉપર કાજુનો એક ટુકડો લગાડવો.
- હવે એક પેનમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને તેમાં પેનમાં સમાય એટલા કબાબ ઉમેરીને હાઈથી મીડીયમ તાપ પર બંને તરફથી ગોલ્ડન રંગના શેકી લેવા. આ રીતે બધા કબાબ તૈયાર કરી લેવા.
લગ્નની સિઝનમાં આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે જાનનું આગમન થાય ત્યારે સ્ટાર્ટર તરીકે હરભરા કબાબ આપવામાં આવે છે. તમે પણ આ રીતે ઘરે હરભરા કબાબની વાનગી બનાવી શકો છો. ગરમાગરમ હરાભરા કબાબને ફુદીના અને દહીં વાળી ચટણી સાથે પીરસી શકો છો.