શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીમાં ગરમ પીણાંનું સેવન વધુ ફાયદાકારક છે. આ દિવસોમાં શરીરમાં સુસ્તી વધુ લાગે છે. એટલે જ લોકો સ્ફૂર્તિમાં આવવા હેલ્ધી હોટ ડ્રિંકસ સવારે પીતા હોય છે. ઠંડીમાં ગરમ પીણાં સાથે લીલા શાકભાજી પણ બજારમાં બહુ જોવા મળે છે. શિયાળો એટલે ખાવાની સિઝન એવું કહેવાય છે. વિવિધ પ્રકારના પકવાન આ દિવસોમાં ખાવાની ખૂબ મજા આવે છે. આજે તમને પાલકની ભાજીમાંથી એક ગ્રેવીવાળા સ્વાદિષ્ટ શાકની રેસીપી જણાવીશું, આ શાક ખાશો તો પાલક પનીર ખાવાનું ભૂલી જશો. ગરમ પરાઠા કે ભાત સાથે પાલકનું શાક બહુ ટેસ્ટી લાગશે.
આલુ-પાલક બનાવવાની સામગ્રી :
- લીલા મરચાં, જીરું, મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો સ્વાદ મુજબ લેવો.
- 300 ગ્રામ પાલક
- 2 - બટાકા
- 1 - ડુંગળી
- 1 - ટામેટું
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
આલુ-પાલક બનાવવાની રીત :
આ સ્વાદિષ્ટ શાક બનાવવા માટે,પહેલા પાલકને સારી રીતે ધોઈ લો અને તેને બારીક કાપો. પછી એક કઢાઈમાં તેલ ગરમ કરો, પછી તેમાં સમારેલા બટાકા ઉમેરો અને તે હળવા સોનેરી થાય ત્યાં સુધી તળો અને પછી તેને બહાર કાઢો. પછી, આ જ તેલમાં જીરું ઉમેરી અને તે તતડવા લાગે, ત્યારે ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારપછી આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો. પછી, ટામેટાં, હળદર, લાલ મરચું, ધાણા પાવડર અને મીઠું ઉમેરો, અને મસાલા તેલથી અલગ થાય ત્યાં સુધી શેકો. હવે આ મસાલામાં તળેલા બટાકા અને સમારેલા પાલક ઉમેરો, સારી રીતે મિક્સ કરો. પછી અડધો કપ પાણી ઉમેરો, ઢાંકીને ધીમા તાપે 10-12 મિનિટ સુધી રાંધો. છેલ્લે, જ્યારે બટાકા રાંધાઈ જાય અને પાલક નરમ થઈ જાય, ત્યારે ગરમ મસાલો ઉમેરો, 2 મિનિટ સુધી રાંધો અને પછી ગેસ બંધ કરો. તૈયાર કરેલા બટાકાની પાલકની ભાજીને ગરમા ગરમ ભાત કે રોટલી સાથે પીરસો.