તહેવારમાં સૌથી વધુ ભેળસેળ મીઠાઈ અને નમકીન વસ્તુઓમાં થાય છે. નમકીન નાસ્તામાં અખાદ્ય તેલનો ઉપયોગ થાય છે. જ્યારે મીઠાઈમાં નકલી ખોયા એટલે કે માવાનો ઉપયોગ થાય છે. અને એટલે જ તહેવારો નજીક આવતાની સાથે આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાય છે. ત્યારે કેટલીક પ્રતિષ્ઠીત દુકાનોમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ થયાનું સામે આવતા આપણને આંચકો લાગે છે. આપણે થોડી સાવધાની રાખી તહેવારમાં થતી આ છેતરપિંડીથી બચી શકીએ છીએ.


તહેવારમાં નકલી વસ્તુનું ધૂમ વેચાણ

આપણો કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધૂરો હોય છે. મીઠાઈ હોય કે નમકીન કોઈપણ ખાદ્ય પદાર્થનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. એટલે જ જયારે પણ બજારમાં મીઠાઈ અને નાસ્તાની ખરીદી કરીએ ત્યારે તેની ગુણવત્તાનું ધ્યાન રાખવુ પડે છે. તહેવારો આવતા જ બજારમાં ભેળસેળવાળી વસ્તુઓનું ધૂમ વેચાણ થવા લાગે છે. નાના દુકાનદારથી લઈને મોટા વેપારીઓ પણ નફો રળી લેવા નકલી મીઠાઈ અને ભેળસેળવાળી વસ્તુનું વેચાણ કરે છે.

FSSAI પ્રમાણપત્ર હોય તેનું ધ્યાન રાખો

સ્વાસ્થ્ય ના બગડે અને પૈસા પણ વ્યર્થના જાય માટે નકલી મીઠાઈની તમે આ રીતે ઓળખ કરી શકો છો. ખાદ્ય સુરક્ષા વિભાગ અને ખાદ્ય મંત્રાલય દ્વારા ખાદ્ય ભેળસેળને લઈને કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. અને આ ધોરણોને પૂર્ણ કરતા ખોરાકને FSSAI પ્રમાણપત્ર મળે છે. ગુણવત્તાયુક્ત મીઠાઈના બોક્સ અથવા પેકેજીંગ પર તમને આ પ્રમાણપત્ર જોવા મળી શકે.

નકલી મીઠાઈની કરો ઓળખ

મીઠાઈઓ કે અન્ય કોઈ ખોરાક ખરીદતા પહેલા તેને નાકથી સુંગધ લો.. જો મીઠાઈઓમાંથી ગંધ આવતી હોય, તો તેને ખરીદશો નહીં. કેટલીક મીઠાઈ પર  ચાંદીનું વરખ લગાવવામાં આવે છે. તે મીઠાઈ ગુણવાત્તયુક્ત છે કે નહીં તેના માટે ચાંદીના વરખને ઘસો અને જો ઘસ્યા પછી તે સંપૂર્ણપણે દૂર થઈ જાય, તો તે વાસ્તવિક છે.   જો તે તમારા હાથ પર ઉતરી જાય અથવા મીઠાઈમાં ચોંટી રહે, તો તે નકલી છે. માવામાંથી શુદ્ધ ઘી જેવી ગંધ આવવી જોઈએ. તમે ખોયા પર આયોડિન લગાવીને પણ તેનું પરીક્ષણ કરી શકો છો. નકલી ખોયા આયોડિન સાથે પ્રતિક્રિયા આપે છે અને વાદળી થઈ જાય છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: