પ્રકાશનું પર્વ દિવાળીમાં દરેક ઘર રોશનીથી ઝગમગે છે. દર વર્ષે લોકો ખૂબ જ ઉત્સાહથી આ તહેવારની ઉજવણી કરે છે. આ દિવસોમાં મીઠાઈ ખાવાનું, મિત્રો સાથે મુલાકાત, ધાર્મિક પૂજન સાથે ફટાકડા ફોડવા સહિતની અનેક પરંપરા છે. લોકો પરિવાર સાથે રાત્રે ફટાકડા ફોડી દિવાળી તહેવારની ઉજવણી કરતા હોય છે. પરંતુ ફટાકડામાં રહેલા હાનિકારક રસાયણના કારણે પર્યાવરણ પર નકારાત્મક અસર પણ પડે છે. પરંપરા સાથે તમે પર્યાવરણની પણ જાળવણી કરવા માંગતા હોવ તો તમે ઇકોફ્રેન્ડલી રીતે તહેવારની ઉજવણી કરી શકો છો.
દિવાળીમાં ઇકોફ્રેન્ડલી સ્ટાઈલ અપનાવો
દિવાળી તહેવારમાં તમે ઇકોફ્રેન્ડલી સ્ટાઈલ અપનાવીને પરીવાર સાથે આ તહેવારની ઉજવણીનો આનંદ માણી શકો છો. પર્યાવરણને અનુકૂળ ઈકોફ્રેન્ડલી આ સ્ટાઈલ અપનાવવાથી પરંપરા પણ જળવાશે. ફટાકડવા ફોડવાથી ધ્વનિ અને વાયપ્રદૂષણ થાય છે. સ્વાસ્થ્ય માટે આ બંને વસ્તુ હાનિકારક સાબિત થઈ શકે છે. એટલે તમે ફટાકડવા ફોડવાના બદલે દીવા પ્રગટાવીને , મીણબત્તીઓ અને LED લાઇટથી દિવાળી ઉજવો. આ દિવાળીને વધુ ખાસ બનાવવા પ્લાસ્ટિક કે સિરામિક દીવાઓને બદલે પરંપરાગત માટીના દીવાઓનો ઉપયોગ કરો.
કુદરતી વસ્તુનો કરો ઉપયોગ, પ્રદૂષણ ઘટશે
જયારે તમે દીવા પ્રગટાવો ત્યારે તેમાં રસાયણમુક્ત તેલ અથવા ઘીનો ઉપયોગ કરો. આ દિવામાં તમે રસોઈથી બચેલા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હા, પરંતુ પૂજા માટે દિવો પ્રગટાવતા હોય તો જરૂર શુદ્ધ સામગ્રીનો ઉપયોગ કરો. ઘરની સજાવટ માટે પેરાફિન મીણની મીણબત્તીઓના સ્થાને સોયા કે મીણ જેવી ઓર્ગેનિક મીણબત્તીઓનો ઉપયોગ કરો. ઓર્ગેનિક મીણબત્તીઓ ઓછો ધુમાડો ઉત્સર્જન કરતા પ્રદૂષણ ઓછું થશે. ઘર રંગોળી કરો ત્યારે કેમિકલવાળા કલરના બદલને ફૂલોનો ઉપયોગ કરો. તાજા ફૂલોની પાંખડીઓ (જેમ કે ગલગોટા, ગુલાબ) અથવા ચોખાનો લોટ, હળદર, કુમકુમ જેવા કુદરતી રંગોથી રંગોળી બનાવો.ઘરની સજાવટ માટે પ્લાસ્ટિકની વસ્તુઓના બદલે જૂના દુપટ્ટા અને કાચની બોટલોનો ઉપયોગ કરી આકર્ષક લુક આપી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )