આજના સમયમાં કેન્સર અને ડાયાબિટીસ બીમારીની જેમ ફેટી લીવર બીમારી પણ એક મોટી સમસ્યા બની છે. આજે યુવાનો પણ હવે હાર્ટએટેક અને થાઈરોઈડ જેવા રોગના શિકાર થઈ રહ્યા છે. ત્યારે બદલાયેલી જીવનશૈલીના કારણે આજકાલ મોટાભાગના લોકોમાં ફેટી લીવરની સમસ્યા જોવા મળે છે. અનેક વખત લોકોને આ રોગના લક્ષણો ધ્યાનમાં આવતા નથી.
આંખમાં બદલાવ ફેટી લીવર રોગનો સંકેત
આરોગ્ય નિષ્ણાતના મતે આપણી આંખો ઉપરથી ફેટી લીવર રોગના લક્ષણો જોઈ શકીએ છીએ. ફેટી લીવરના લક્ષણો ધીરે-ધીરે દેખાવાના કારણે લોકો જલદી આ રોગને ઓળખી શકતા નથી. પરંતુ જો તમે આંખમાં થતા આ બદલાવને ધ્યાનમાં રાખશો તો ફેટી લીવરના રોગથી સમયસર સતર્ક થઈ શકશો અને તેનો યોગ્ય ઉપચાર પણ કરી શકશો.
જો તમને આંખોમાં આ પ્રકારના ખાસ ફેરફારો દેખાય તો તરત સાવધ થઈ જાઓ. સંભવત આ ફેટીલીવર રોગનો સંકેત હોઈ શકે છે.
આંખોમાં પીળાશ થવી : લીવરની કામગીરી ધીમે ધીમે પ્રભાવિત થતા શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધે છે. આ બદલાવની અસર સીધી આંખો પર પડે છે. અને આંખમાં જયાં સફેદ ભાગ છે તે ધીરેધીરે પીળો દેખાવા લાગે છે. આ ફેટી લીવર રોગનો ગંભીર સંકેત હોઈ શકે છે.
આંખો નીચે સોજો અને કાળા કુંડાળા : જ્યારે લીવર યોગ્ય રીતે ડિટોક્સિફાય કરવામાં અસમર્થ હોય ત્યારે શરીરમાં ઝેરી તત્વો એકત્ર થવા લાગે છે. ઝેરી તત્વો બહાર ના નીકળતા તેની આંખો પર અસર થતા કેટલાક સંજોગોમાં તેની આસપાસના ભાગમાં ડાર્કસર્કલ થવા લાગે છે. અને કયારેક સોજો પણ જોવા મળે છે. આ બાબત લીવરના કાર્યમાં ખલેલનો સંકેત પણ હોઈ શકે છે.
આંખોમાં ખંજવાળ અને બળતરા : લીવરની સ્થિતિ ખરાબ હોય તો, પિત્ત રસનો પ્રવાહ અવરોધાઈ શકે છે, જેનાથી શરીરમાં પિત્ત વધે છે. આ આંખોની સપાટીને અસર કરે છે, જેના કારણે આંખોમાં વારંવાર બળતરા અને ખંજવાળ આવી શકે છે.
આ લોકોમાં ફેટી લીવરની સમસ્યા વધુ : સામાન્ય રીતે તે મોટાભાગે એવા લોકોમાં જોવા મળે છે જેનું વજન વધારે છે, અથવા જેઓ વધુ પડતું દારૂનું સેવન કરતા હોય છે. આ રોગથી બચવા માટે તમારે જીવનશૈલી અને ખાનપાનમાં બદલાવ લાવવો પડશે. જેના બાદ તમે આ રોગથી પોતાને સુરક્ષિત રાખી શકો છો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.