આજકાલ લોકોને શરદી, ઉધરસ જેવી સામાન્ય સમસ્યામાં દવા લેવાની આદત પડી છે. જ્યારે પ્રાચીન આર્યુવેદ નિયમ બીમારીને મૂળથી દૂર કરવાનું કહે છે. આર્યુવેદ કહે છે કે દરેકની શરીર રચના અલગ હોય છે. આપણું શરીર ત્રિદોષથી બનેલું છે એટલે કે વાયુ, કફ અને પિત્ત. આ ત્રણ દોષોનું શરીરમાં અસંતુલન થતા વ્યક્તિ સ્વાસ્થ્ય સમસ્યાનો શિકાર થાય છે. અને શરીરમાં જે દોષનું પ્રમાણ વધે તે મુજબ વ્યક્તિની બીમારીમાં ઉપચાર કરવામાં આવતો હોય છે. આવી સ્થિતિમાં આપણા શરીરમાં કયો દોષ વધારે છે તે કેવી રીતે જાણવું તેને લઈને આર્યુવેદ નિષ્ણાતે સૂચન કર્યું છે.
આર્યુવેદ નિષ્ણાતનું સૂચન
આર્યુવેદ નિષ્ણાતના જણાવ્યા મુજબ વારંવાર શરીરમાં ઉદભતવી સમસ્યા પરથી વાયુ, કફ અને પિત્તમાંથી કયો દોષ વધારે છે તે જાણી શકશો. શરીરમાં સાંધામાંદુખાવો રહેતો હોય તો વાયુદોષ, એસિડિટી, પેટમાં દુખાવો, હાઈ બીપીની સમસ્યા હોય તો પિત્તનો પ્રકોપ અને વારંવાર શરદી, ઉધરસની સમસ્યા હોય તો કફનો દોષ. તો કેટલાક લોકોના શરીરમાં વાયુ અને પિત્ત, કફ અને વાયુ એમ બે મિશ્ર દોષ પણ જોવા મળતા હોય છે. કોઈપણ બીમારીમાં આર્યુવેદમાં પહેલા શરીરમાં કયો દોષ વધુ છે તેની તપાસ કરાય છે. પછી ભલે તે વાત હોય, પિત્ત હોય કે કફ તે શોધી કાઢ્યા બાદ તે મુજબ યોગ્ય આહાર આપી ઉપચાર કરાય છે.
ત્રણ દોષોમાંથી એકનું અસંતુલન, બીમારીનું કારણ
વાયુ, કફ અને પિત્ત સહિતના આ ત્રણ દોષો શરીરમાં વિવિધ કાર્યોને નિયંત્રિત કરતા તત્વો છે. જ્યારે પણ આમાંથી કોઈ એક અસંતુલિત થાય છે, ત્યારે તે શરીરમાં વિકાર અથવા બીમારીનું કારણ બની શકે છે. આજે લોકોમાં ખાવાની ખોટી આદતો જોવા મળે છે. કારણ દરેકના શરીરમાં કોઈ એક દોષનું પ્રમાણ વધુ હોય છે. અને એ વ્યક્તિએ એવા આહારનું સેવન કરવાનું ટાળવું જે તેમના શરીરમાં દોષમાં વધારો કરતો હોય. પરંતુ આજે બિનઆરોગ્યપ્રદજીવનશૈલીના કારણે લોકો વધુ બીમાર પડી રહ્યા છે. આર્યુવેદ મુજબ શરીરની પ્રકૃતિ ઓળખી તે મુજબ ખાવાથી બીમારીને મૂળમાંથી દૂર કરી શકાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )