વિટામિન D આપણા શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં અને રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેની ઉણપને હળવાશથી લેવી યોગ્ય નથી, કારણ કે તે શરીરની અનેક કામગીરીઓને અસર કરી શકે છે.
વિટામિન ડી ઓછુ થાય તો શું થાય ?
વિટામિન D શરીરમાં કેલ્શિયમના યોગ્ય શોષણ માટે મદદરૂપ બને છે. જ્યારે તેની માત્રા ઓછી થાય છે ત્યારે કેલ્શિયમ યોગ્ય રીતે શરીરમાં ઉપયોગમાં લઈ શકાયતું નથી, જેના કારણે હાડકાં નબળા પડી શકે છે. સાથે જ દાંત, મસલ્સ અને ઈમ્યુન સિસ્ટમ પર પણ તેની નકારાત્મક અસર જોવા મળે છે.
લાંબા સમય સુધી વિટામિન D ની કમી રહે તો શરીરમાં અનેક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તેમાં હાડકાંમાં દુખાવો, મસલ્સની કમજોરી, સતત થાક લાગવો અને વારંવાર બીમાર પડવું સામેલ છે. કેટલીક સ્થિતિમાં સાંધામાં અસહજતા અને શરીરની તાકાતમાં ઘટાડો પણ જોવા મળે છે.
અભ્યાસોમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં મોટી વસ્તીમાં વિટામિન D ની કમી સામાન્ય સમસ્યા બની ગઈ છે. શહેરી જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ આ સમસ્યાથી પ્રભાવિત છે.
વિટામિન D ની ઉણપના કારણો
- પૂરતો સૂર્યપ્રકાશ ન મળવો
- વધારે પ્રમાણમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવો
- શરીરને હંમેશા કપડાંથી ઢાંકી રાખવું
- શરીરમાં મેલેનિનનું પ્રમાણ વધુ હોવું
- વધતી ઉંમરના કારણે 7-ડિહાઇડ્રોકોલેસ્ટેરોલનું ઓછું બનવું
- લીવર અને કિડની સંબંધિત બીમારીઓ
- સ્થૂલતા (મોટાપા)નો શિકાર બનવું
- આહારમાં વિટામિન D ની અછત હોવી
વિટામિન D કેમ ઘટે છે?
વિટામિન D નો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આધુનિક જીવનશૈલીમાં લોકોનો બહાર જવાનો સમય ઓછો થઈ ગયો છે, જેના કારણે તેની કમી વધી રહી છે. ઘર અથવા ઓફિસમાં લાંબા સમય સુધી રહેવું, સૂર્યપ્રકાશથી દૂર રહેવું અને ખોરાકમાં અસંતુલન પણ તેના મુખ્ય કારણોમાં ગણાય છે.
ભોજનમાંથી કેવી રીતે મેળવવુ વિટામિન ??
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સવારે કુમળા તડકામાં દરરોજ 15 થી 30 મિનિટ સુધી સમય વિતાવવો ખૂબ લાભદાયક છે. આ શરીરમાં કુદરતી રીતે વિટામિન D બનાવવામાં મદદ કરે છે.
આ ઉપરાંત આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે, જેમ કે ઇંડાનો પીળો ભાગ, ફેટી ફિશ, મશરૂમ, ફોર્ટિફાઈડ દૂધ, દહીં અને કેટલાક અનાજ. સાથે જ કેલ્શિયમ યુક્ત ખોરાક જેમ કે દૂધ, પનીર, તલ, સોયા અને લીલા શાકભાજી પણ આહારમાં રાખવા જોઈએ, કારણ કે વિટામિન D અને કેલ્શિયમ એકબીજાને પૂરક છે.
કઈ બાબતો ટાળવી જોઈએ?
- અતિશય જંક ફૂડ, મીઠાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડનો વધુ ઉપયોગ ટાળવો જોઈએ.
- જો લાંબા સમય સુધી થાક, હાડકાંમાં દુખાવો અથવા વારંવાર ફ્રેક્ચર જેવી સમસ્યા રહેતી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે
- . પોતાના મનથી સપ્લીમેન્ટ લેવાની બદલે યોગ્ય તપાસ અને સંતુલિત આહાર પર ધ્યાન આપવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે.