આજના સમયમાં સવારે ખાલી પેટે જીરું, અજમો કે મેથીનું પાણી પીવાનો એક મોટો ટ્રેન્ડ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર આ ડ્રિંક્સને વેઇટ લોસ અને મેજિકલ ડિટોક્સ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. પરંતુ એક્સપર્ટ્સના મતે આ ડ્રિંક્સ કોઈ જાદુઈ દવા નથી અને તે દરેકના શરીર પર એકસરખી અસર કરતા નથી. જો તમારા શરીરના પ્રકાર અને સમસ્યા મુજબ ખોટું ડ્રિંક પસંદ કરવામાં આવે તો સ્વાસ્થ્ય બગડી પણ શકે છે. બેંગલુરુના કિમ્સ (KIMS) હોસ્પિટલના સિનિયર ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. બાલાજીએ જણાવ્યું છે કે તમારી સમસ્યાઓ મુજબ કયું પાણી બેસ્ટ સાબિત થઈ શકે છે.


જીરું પાણી ક્યારે છે બેસ્ટ?

ડૉ. બાલાજીના જણાવ્યા મુજબ, જીરું પાણી પાચનતંત્ર માટે સૌથી સુરક્ષિત અને અસરકારક માનવામાં આવે છે. તે પેટમાં પાચક એન્ઝાઇમ્સ અને બાઇલના સ્ત્રાવને વધારે છે, જેનાથી ખોરાક સરળતાથી પચી જાય છે. જે લોકોને જમ્યા પછી પેટ ફૂલવા (Bloating), ગેસ કે પેટમાં ભારેપણું રહેતું હોય, તેમના માટે સવારે ખાલી પેટે જીરું પાણી પીવું સૌથી ઉત્તમ વિકલ્પ છે. તેના માટે એક ચમચી જીરું રાત્રે પાણીમાં પલાળી રાખવું અને સવારે ગાળીને પી જવું.

અજમાનું પાણી ક્યારે પીવું?

અજમામાં 'થાયમોલ' નામનું એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે પેટનો દુખાવો, મરોડ અને અચાનક થતી અપચાની સમસ્યામાંથી તરત જ રાહત અપાવે છે. જો કે, ડૉક્ટરે ચેતવણી આપી છે કે અજમાનું પાણી ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. જે લોકોને એસિડ રિફ્લક્સ, છાતીમાં બળતરા કે ક્રોનિક ગેસ્ટ્રાઇટિસની સમસ્યા હોય તેમણે રોજ આ પાણી ન પીવું જોઈએ, કારણ કે તે એસિડિટી વધારી શકે છે. ગર્ભવતી મહિલાઓએ પણ અજમાના પાણીથી દૂર રહેવું જોઈએ કારણ કે તે ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરી શકે છે. તેને માત્ર ક્યારેક દવા તરીકે જ લેવું હિતાવહ છે.

મેથીનું પાણી કોના માટે ફાયદાકારક?

મેથીનું પાણી મેટાબોલિઝમ અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં સૌથી સક્રિય ભૂમિકા ભજવે છે. મેતિના દાણામાં સોલ્યુબલ ફાઈબર હોય છે જે આંતરડામાં કાર્બોહાઇડ્રેટ્સના શોષણને ધીમું કરે છે. આ પાણી પ્રી-ડાયાબિટીસ અને ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે. આ સિવાય લાંબા સમયની કબજિયાત અને ધીમા પાચનવાળા લોકો માટે પણ તે શ્રેષ્ઠ છે. જો કે, મેથીની તાસીર ગરમ અને સ્વાદ કડવો હોય છે, તેથી વધુ પડતા સેવનથી લૂઝ મોશન થઈ શકે છે. ડાયાબિટીસની દવા લેતા દર્દીઓએ ડૉક્ટરની સલાહ પછી જ આ શરૂ કરવું જોઈએ.

આ પણ વાંચો:PM મોદીએ કુવૈતના અમીર સાથે ફોન પર કરી ચર્ચા, એરપોર્ટ હુમલામાં ભારતીયના મોત અંગે વ્યક્ત કરી ચિંતા

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: