આજે World Mental Health Day

છે ત્યારે આજે વાત લોકોની બદલાતી માનસિક સ્થિતિની. દુનિયામાં દર વર્ષે કરોડો લોકો ભાગદોડ અને તણાવવાળી લાઈફસ્ટાઈલના કારણે ડિપ્રેશનનો શિકાર બને છે. WHO ના રિપોર્ટ પ્રમાણે લગભગ 28 કરોડથી વધુ લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ માત્ર માનસિક સ્થિતિ નથી. પણ એક ગંભીર માનસિક સ્થિતિ કહી શકાય. જે માણસની વિચારશક્તિ, સહનશક્તિને પ્રભાવિત કરે છે. ડિપ્રેશનમાં વ્યક્તિ સતત ઉદાસ, નિરાશ અને આત્મવિશ્વાસની ઉણપ અનુભવે છે. જો સમયસર તેની ઓળખ ના થાય તો તે રોજિંદા કામકાજ, સંબંધો અને સ્વાસ્થ્ય પર માઠી અસર પહોંચાડે છે.

ડિપ્રેશનના કારણો

ડિપ્રેશનના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સતત તણાવપૂર્ણ કામ, સંબંધોમાં અસ્થિરતા, આર્થિક કે કરિયર સાથે જોડાયેલી અસફળતા, એકલાપણું, હોર્મોનલ બદલાવ, ઓછી ઉંઘ કે કોઈ ગંભીર બિમારી હોઈ શકે છે. ક્યારેક જિનેટીક કારણોના લીધે પણ ડિપ્રેશન થવાની સંભાવના રહેલી છે. જે લોકો વધુ સેન્સેટિવ સ્વભાવના હોય છે, દરેક ઘટનાને ઉંડાણપૂર્વક અનુભવ કરે છે તેમને ડિપ્રેશન થવાની શક્યતા વધુ હોય છે. મહિલાઓમાં પણ હોર્મોનલ ચેન્જીસના કારણે અને યુવા વર્ગમાં સોશિયલ મિડીયા પ્રેશર મોટું કારણ બની રહ્યું છે. જો માનસિક અને ભાવનાત્મક સપોર્ટ ના મળે તો પરિણામ ખુબ જ ગંભીર આવતા હોય છે.

ડિપ્રેશનના લક્ષણો

એક્સપર્ટના કહેવા પ્રમાણે ડિપ્રેશનની શરૂઆત ખુબ જ ધીમી હોય છે. શરૂઆતના લક્ષણોની જો વાત કરીએ તો સતત ઉદાસ રહેવું, કામમાં મન ના લાગવું, ભૂખ અને ઉંઘની પેટર્ન બદલાઈ જવી, સતત પોતાને નકામા સમજવા જેવા લક્ષણો જોવા મળે છે. વ્યક્તિને એવું લાગે છે જાણે જીવનમાં હવે કંઈ જ બચ્યુ નથી. કંઈ જ સારું નથી થઈ રહ્યું, અથવા કોઈ જ વાતથી ખુશી નથી મળી રહી. જેમ જેમ સ્થિતિ ગંભીર બને છે. વ્યક્તિ અન્ય લોકોથી દૂર થવા લાગે છે. વાત કરવાનું બંધ કરી દે છે. તે એકલા રહેવાનું પસંદ કરે છે.

ગંભીર ડિપ્રેશનની સ્થિતિમાં વ્યક્તિના વિચાર આત્મહત્યા કે પોતાને નુકસાન પહોંચાડવાની દીશામાં આગળ વધે છે. આ એવી સ્થિતિ છે જ્યારે તરત જ મનોવૈજ્ઞાનિકની મદદ લેવી જરૂરી બની જાય છે. સમયસર જો તેની ઓળખ થી જાય અને સારવાર મળી જાય તો ડિપ્રેશનને સંપૂર્ણ કંટ્રોલ કરી શકાય છે.

ડિપ્રેશનથી કેવી રીતે બચવું?

અત્યારની લાઈસ્ટાઈલ વચ્ચે જો ડિપ્રેશનથી બચવું છે તો રોજિંદી દીનચર્યામાં કેટલાક ફેરફાર લાવવાની જરૂર છે. જેમ કે તમારી ભાવનાઓને દબાવો નહીં, ખુલીને એક્સપ્રેસ કરો. વિશ્વાસુ વ્યક્તિ સાથે મનની વાત કરો. હેલ્દી ડાયટ અને પુરતી ઉંઘ લો. દિનચર્યામાં વ્યાયામ, યોગ અને મેડિટેશનને સ્થાન આપો. સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડી દો. જો સતત નિરાશા અને ઉદાસી અનુભવો છો તો કાઉન્સિલર કે ડૉક્ટરની સલાહ લો. પોતાના શોખ અને ગમતી એક્ટિવિટી કરવાનું શરૂ કરી દો.


  • Follow us on: