કેન્સર એ કોઈ એવી બીમારી નથી જે શરીરમાં રાતોરાત થઈ જાય. હેલ્થ એક્સપર્ટ્સ અને નિષ્ણાતોનું માનવું છે કે વર્ષો સુધી અમુક હાનિકારક રસાયણોના સંપર્કમાં રહેવાથી અને રોજિંદી નાની-નાની ખોટી આદતોના કારણે શરીર પર તેની ગંભીર અસર પડે છે. આ જ કારણ છે કે હવે લોકો માત્ર બહારના જંક ફૂડ વિશે જ નહીં, પરંતુ ઘરમાં રોજબરોજ વપરાતી વસ્તુઓ પ્રત્યે પણ સજાગ થઈ રહ્યા છે.
રસોડાની આ વસ્તુઓ કેન્સરનું વધારે છે જોખમ
ફરીથી ગરમ કરેલું તેલ : ઘરોમાં ઘણીવાર પૂરી કે ભજીયા તળ્યા પછી બચેલા તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેલને વારંવાર ઉકાળવાથી તેમાં હાનિકારક ફ્રી રેડિકલ્સ અને કેન્સર પેદા કરી શકે તેવા તત્વો બને છે.
સ્ક્રેચવાળા નોન-સ્ટીક વાસણો: જો તમારા નોન-સ્ટીક તવા કે કડાઈનું કોટિંગ ઉખડી રહ્યું હોય, તો તેને તરત જ બદલી નાખો. આવા વાસણોને વધુ પડતા ગરમ કરવાથી તેમાંથી હાનિકારક કેમિકલ સંયોજનો મુક્ત થાય છે જે ખોરાકમાં ભળે છે.
એલ્યુમિનિયમ ફોઇલ : ખોરાક પેક કરવા માટે ક્યારેક આનો ઉપયોગ કરવો ઠીક છે, પરંતુ ખાટા કે લીંબુવાળા ખોરાકને એલ્યુમિનિયમ ફોઇલમાં રાખવાથી કે વધુ ગરમીમાં તેનો ઉપયોગ કરવાથી એલ્યુમિનિયમના કણો ખોરાકમાં ઓગળીને (Leach) ભળી જાય છે.
પ્લાસ્ટિકની વોટર બોટલ: કારમાં રાખેલી, તડકામાં તપેલી કે મહિનાઓ જૂની પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાનું ટાળો. ગરમીના સંપર્કમાં આવવાથી પ્લાસ્ટિકના માઇક્રોપાર્ટિકલ્સ પાણીમાં ઓગળી જાય છે, જે શરીર માટે અત્યંત ઝેરી છે.
પ્લાસ્ટિક ટિફિન અને કન્ટેનર: ગરમ ખોરાકને સીધો પ્લાસ્ટિકના ડબ્બામાં ભરવો કે તેને માઇક્રોવેવમાં ગરમ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સંશોધનો અનુસાર, આનાથી પ્લાસ્ટિકના રસાયણો ખોરાક વાટે આપણા પેટમાં જાય છે.
પ્લાસ્ટિક કટિંગ બોર્ડ: શાકભાજી કાપવા માટે વપરાતા પ્લાસ્ટિક બોર્ડ પર ધીમે-ધીમે ઊંડા કાપા પડી જાય છે. દરેક કટ સાથે પ્લાસ્ટિકના માઇક્રોસ્કોપિક કણો શાકભાજી સાથે ભળીને આપણા શરીરમાં પહોંચે છે.
રસોડામાંથી આ વસ્તુઓ દૂર કરો, ઘટશે કેન્સરનું જોખમ
ઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓ અને આદતો કેન્સરનું જોખમ વધારે છે. તમે આ વસ્તુઓનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરશો તો સ્વાસ્થ્યમાં ફાયદો થશે. આજકાલ કેન્સરની બીમારીમાં વધારો થયો છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કિસ્સા વધ્યા છે. કેન્સર બીમારીને પ્રથમ સ્ટેજ પર નિદાન થાય તો સારવાર થતા દર્દીના જીવનું જોખમ ઘટે છે. પરંતુ કયારેક આ બીમારી રસોડાની આ ખોટી આદતના લીધે જીવનું જોખમ વધારે છે. એટલે જ શક્ય તેટલા વહેલા તમે પોતાના રસોડામાંથી આ વસ્તુઓ આજે જ દૂર કરી દો.
આ પણ વાંચો : International Yoga Day 2026 : બાળકો માટે આ યોગાસન બેસ્ટ, હાઈટ વધશે અને મગજ પણ તેજ થશે
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )