આજકાલ રંગબેરંગી નેઇલ પોલીશ, આકર્ષક નેઇલ આર્ટ અને લાંબા આર્ટિફિશિયલ નખ રાખવાનો ક્રેઝ ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ આ બધાની વચ્ચે હવે 'જાપાનીઝ મેનીક્યોર' તેની સરળતા અને કુદરતી સુંદરતાને કારણે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. આ અનોખી તકનીક નખને કૃત્રિમ કલર્સ કે કેમિકલવાળી એસેસરીઝ હેઠળ છુપાવવાને બદલે, તેમનું કુદરતી સ્વાસ્થ્ય અને કુદરતી ચમક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટ્રીટમેન્ટ પછી નખ પર એક મોતી જેવી સુંદર અને આકર્ષક ચમક જોવા મળે છે.
શું છે જાપાનીઝ મેનીક્યોર?
જાપાનીઝ મેનીક્યોર સામાન્ય મેનીક્યુર કરતાં તદ્દન અલગ દેખાવ અને અનુભૂતિ આપે છે. તેમાં કોઈ પણ પ્રકારની ઘાટી નેઇલ પોલીશ, યુવી લાઈટ (UV Light) કે ચમકદાર ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ટ્રીટમેન્ટ નખની આંતરિક સ્વચ્છતા અને પોષણ પર ભાર મૂકે છે. નખને એટલી કાળજીપૂર્વક પોલિશ કરવામાં આવે છે કે તે એકદમ નરમ, સ્વચ્છ અને સ્વસ્થ દેખાય છે. જે લોકો "શાંત વૈભવી" અને મિનિમલિસ્ટિક (ઓછામાં ઓછું અને સોબર) લુક પસંદ કરે છે, તેમના માટે આ મેનીક્યુર આશીર્વાદ સમાન છે.
જાપાનીઝ મેનીક્યોરની સ્ટેપ-બાય-સ્ટેપ
આ મેનીક્યુર કરવાની પદ્ધતિ ખૂબ જ કુદરતી અને રિલેક્સિંગ છે.
- શેપિંગ અને બફિંગ: સૌપ્રથમ નખને હળવા હાથે બફ કરીને તેને યોગ્ય અને આકર્ષક આકાર આપવામાં આવે છે. ત્યારબાદ ક્યુટિકલ્સને ધીમેથી પાછળ ધકેલીને સાફ કરવામાં આવે છે.
- મિનરલ પેસ્ટ એપ્લિકેશન: આ સ્ટેપ સૌથી મહત્વનો છે. નખ પર ખાસ મિનરલ પેસ્ટ (જેમાં ન્યુટ્રિઅન્ટ્સ હોય છે) લગાવવામાં આવે છે, જે નખને ઊંડાણપૂર્વક પોષણ આપે છે અને નખના તૂટવાની સમસ્યા બંધ કરે છે.
- ટેલ્ક પાવડર અને ફિનિશિંગ: અંતે નખ પર એક ખાસ પાવડર લગાવીને પોલિશ કરવામાં આવે છે, જે નખને કુદરતી, કાચ જેવી (Glass-like) અદભુત ચમક આપે છે. આ પ્રક્રિયા પૂરી થયા પછી નખ એકદમ ગુલાબી અને હેલ્ધી દેખાય છે.
400 વર્ષ જૂની શાહી પરંપરા
જાપાનીઝ મેનીકયોર કોઈ નવો આધુનિક આવિષ્કાર નથી, પરંતુ લગભગ ૪૦૦ વર્ષ જૂની પરંપરા માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં જાપાની રાજવી પરિવારના સભ્યો નખની માવજત માટે આ બ્યુટી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરતા હતા. તે જમાનામાં તેને ઉચ્ચ સ્વાસ્થ્ય અને સુંદરતાનું પ્રતીક માનવામાં આવતું હતું. આજે પણ તેનો મુખ્ય હેતુ નખની કુદરતી મજબૂતાઈ અને ગુલાબી આભા જાળવી રાખવાનો છે.
આ પણ વાંચો : Kitchen Hacks: પુરી-પકોડા તળ્યા પછી બચેલું તેલ ફેંકી દેવાની ભૂલ ન કરતા! આ રીતે કરો સ્માર્ટ ઉપયોગ