વર્કિંગ વુમન માટે ઘર અને ઓફિસનું કામ બંને વચ્ચે સંતુલન રાખવું એક પડકાર હોય છે. ખાસ કરીને રસોઈના નાના લાગતા કામોમાં વધુ સમય જાય છે. ત્યારે માઇક્રોવેવનો ઉપયોગ કરી તેઓ પોતાના સમયની બચત કરી શકે છે. માઈક્રોવેવનો યોગ્ય ઉપયોગ વર્કિંગ વુમન હોય કે સ્માર્ટ ગૃહિણી તેમના ઘણા મુશ્કેલ કાર્યો સરળ બનાવે છે.


જાણો માઈક્રોવેવના ઉપયોગની ટીપ્સ

  • માઇક્રોવેવમાં 4 મિનિટ માટે બટાકા મૂકો તે બટાકા પ્રેશર કૂકરની જેમ જ બફાઈ જશે. આનાથી સમય બચશે અને તમારે પ્રેશર કૂકર સાફ કરવાની જરૂર નહીં પડે.
  • આખી રાત ફ્રીજમાં રાખવાના કારણે લોટ સખત થઈ ગયો હોય અને તમારે ઉતાવળ હોય તો લોટને 30 સેકન્ડ માટે માઇક્રોવેવમાં મૂકી દો. લોટ નરમ અને મુલાયમ થશે અને તમે જલદી રસોઈ બનાવી શકશો.
  • માઇક્રોવેવનો ઉપયોગ લીંબુનો રસ કાઢવા પણ થાય છે તેવો બહુ ઓછા લોકોને ખબર છે. 30 સેકન્ડ માટે લીંબુ કે નારંગી જેવા ખાટાં ફળો માઈક્રોવેવમાં મૂકી દો. તમે થોડી જ સેકન્ડમાં આ ફળ કાપીને તેમાંથી રસ કાઢીને ઉપયોગમાં લઈ શકશો. આમ, કરવાથી ફળમાંથી રસ પણ વધુ માત્રામાં નીકળે છે.
  • બ્રેડને તાજી કરવા તેના પર થોડું પાણી છાંટીને માઇક્રોવેવમાં 15 સેકન્ડ માટે મૂકી દો. સૂકી અને જૂની લાગતી બ્રેડ ફ્રેશ લાગશે.
  • ચોખાના પાપડ કે જુવાર અથવા મકાઈના પાપડ શેકવા માઇક્રોવેવ બેસ્ટ વિકલ્પ છે. કારણ કે આમાં પાપડ કયારેય બળતા નથી. માઇક્રોવેવમાં એક થી દોઢ મિનિટમાં જ પાપડ તૈયાર થઈ જશે.
  • ઘણા લોકો મેથીની ભાજી, પાલકની ભાજી વગેરેની સૂકવણી કરે છે. આ માટે લાંબા સમય તડકામાં રાખવાની ઝંઝટમાંથી તમને મુક્તિ મળશે. તમે કોઈપણ પ્રકારની ભાજીને 1-2 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકશો તો તડકામાં સુકાઈ જાય છે તે જ રીતે સુકાઈ જશે. તમે આનો ઉપયોગ કરીને કસુરી મેથી પણ બનાવી શકો છો.
  • સમયની બચત કરવા તમે રસોઈમાં ઉપયોગમાં લેવાતા અથવા મુખવાસ માટેના ડ્રાયફ્રૂટસને તવા પર શેકવાના બદલે માઇક્રોવેવમાં શેકી શકો છો. એટલે કે માઇક્રોવેવામાં આ ડ્રાયફ્રટ શેકીને જલદી ઉપયોગમાં લઈ શકો છો.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: