રસોડામાં ફટાફટ ભોજન બનાવવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ સામાન્ય બન્યો છે. દાળ, ચોખા, શાકભાજી હોય કે પછી કઠોળ બાફવા જેવા રસોઈના કામ પ્રેશર કૂકરના કારણે ફટાફટ બને છે. જો કે કયારેક પ્રેશર કૂકર મોટી દુર્ઘટનાને પણ અંજામ આપે છે. આપણે અનેક વખત સાંભળ્યુ છે કે પ્રેશર કૂકરના કારણે રસોડામાં મોટી દુર્ઘટના બનવા પામી. આખરે રસોઈમાં ઉપયોગમાં લેવાતા પ્રેશર કૂકરમાં કેવી રીતે વિસ્ફોટ થાય છે. આપણી આ સામાન્ય ભૂલો કૂકરની દુર્ઘટનાનું કારણ બને છે આવા જાણીએ.


આજના સમયમાં પ્રેશર કૂકરનો ઉપયોગ વધ્યો

પ્રેશર કુકરનો ઉપયોગ ગૃહિણીથી લઈને ઘરથી દૂર રહેતા બાળકો પણ કરવા લાગ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે ખૂબ જ ઝડપથી ખોરાક રાંધે છે. આજે મહિલાઓ ફક્ત ગૃહિણી ના બની રહેતા વર્કિંગ વુમન બની ગઈ છે. એટલે જ સમયની બચત કરવા મોટાભાગની રસોઈમાં તેનો ઉપયોગ કરવા લાગી છે. જયારે ઘરથી દૂર રહેતા યુવાનો પણ બજારનું મોંઘુ ભોજન ખાવા કરતાં ફટાફટ બનતું ખાવાનું પસંદ કરે છે. પ્રેશર કુકર રસોડામાં સમય બચાવવા માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ જો તેનો ઉપયોગ કરવામાં નાની સરખી પણ ભૂલ થાય, તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. કુકર બ્લાસ્ટ થવા પાછળ સામાન્ય રીતે આ પાંચ મુખ્ય કારણો જવાબદાર હોય છે.

પ્રેશર કૂકર વિસ્ફોટના આ હોઈ શકે કારણો

સેફ્ટી વાલ્વ : દરેક કુકરના ઢાંકણમાં એક નાનો સેફ્ટી વાલ્વ હોય છે. જ્યારે કુકરમાં દબાણ ખૂબ વધી જાય અને સીટી ન વાગે, ત્યારે આ વાલ્વ ઓગળી જાય છે જેથી હવા બહાર નીકળી જાય અને કુકર ફાટે નહીં. જો સેફ્ટી વાલ્વ જૂનો થઈ ગયો હોય અથવા તેમાં ગંદકી જામી ગઈ હોય, તો તે કામ કરતો નથી અને બ્લાસ્ટ થવાનું જોખમ વધે છે.

વેન્ટ ટ્યુબ : જે પાઇપ ઉપર સીટી (Weight) મૂકવામાં આવે છે તેને વેન્ટ ટ્યુબ કહેવાય છે. ઘણીવાર દાળ કે ચોખા ઉભરાઈને આ નળીમાં ફસાઈ જાય છે. જો વેન્ટ ટ્યુબ જામ થઈ જાય, તો અંદરનું દબાણ બહાર નીકળી શકતું નથી, જે કુકરને બોમ્બની જેમ ફાડી શકે છે.

જૂની અથવા ઢીલી ગેસ્કેટ: ઢાંકણમાં રહેલી રબરની રીંગ (ગેસ્કેટ) જો કડક થઈ ગઈ હોય અથવા તેમાં તિરાડો પડી હોય, તો દબાણ યોગ્ય રીતે જળવાતું નથી. ઢીલી ગેસ્કેટ હોવા છતાં કુકર વાપરવું જોખમી છે, કારણ કે તે અચાનક બહાર નીકળી શકે છે અને વરાળ જોરથી મોઢા પર આવી શકે છે.

કુકરને ક્ષમતાથી વધુ ભરવું : દરેક કુકરમાં ખોરાક ભરવાની એક મર્યાદા હોય છે. કુકરને ઉપર સુધી દાળ કે પાણીથી ભરી દેવાથી, ઉકળતી વખતે ખોરાક સીટીના કાણામાં ફસાઈ જાય છે. હંમેશા કુકરને ૨/૩ ભાગ થી વધુ ન ભરવું જોઈએ.

પાણી વગર કુકર ગરમ કરવું : જો કુકરમાં પૂરતું પાણી ન હોય અને તે લાંબો સમય ગેસ પર રહે, તો અંદરનું તાપમાન એટલું વધી જાય છે કે કુકરનું ધાતુ નબળું પડી જાય છે અને તે ફાટી શકે છે.

કૂકર દુર્ઘટના રોકવા લો સાવચેતીના પગલાં

પ્રેશર કુકર કોઈ દુર્ઘટના સર્જે પરંતુ ઉપયોગ બને તે જરૂરી છે. એટલે કૂકરના ઉપયોગમાં આ સાવચેતી રાખવી જોઈએ. વાપરતા પહેલા સીટી અને વેન્ટ ટ્યુબને ફૂંક મારીને ચેક કરો કે તે સાફ છે કે નહીં. દર ૧-૨ વર્ષે સેફ્ટી વાલ્વ અને રબર બદલાવતા રહો. કુકરમાંથી વરાળ જાતે નીકળવા દો, ક્યારેય પરાણે સીટી ઉંચી કરીને વરાળ ન કાઢવી.  હંમેશા ISI માર્કવાળા ગુણવત્તાયુક્ત કુકરનો જ ઉપયોગ કરો.


આ પણ વાંચો : Lifestyle: મોંઘા ફ્લોર ક્લીનર્સને ભૂલી જશો, આજે જ અજમાવશો આ ઘરગથ્થુ નુસખો અને ફ્લોર ચમકશે કાચ જેવો!

  • Follow us on: