બટાકા ભારતીય ભોજનનો મુખ્ય ભાગ છે. આ શાકભાજીને દરેક ઘરમાં કોઈને કોઈ સ્વરૂપમાં ખાવામાં આવે છે. અનેક ઘરોમાં આજે પણ રોજ બનતા શાકમાં બટાકા ઉમેરવામાં આવે છે. સ્વાદિષ્ટ રસાવાળું શાક હોય, પરાઠા હોય કે ચાટ, બટાકા વગર બધું અધૂરું લાગે છે. જોકે, ઘણા લોકો અવારનવાર એવી ફરિયાદ કરતા હોય છે કે બટાકા ખાધા પછી તેમને હાર્ટબર્ન (છાતીમાં બળતરા), ગેસ, પેટનું ભારેપણું કે એસિડિટી થઈ જાય છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર બટાકા એસિડિટી વધારે છે? આવો જાણીએ હેલ્થ એક્સપર્ટ શું કહે છે.


શું બટાકા ખાવાથી ખરેખર ગેસ થાય છે

આરોગ્ય નિષ્ણાતોના મતે, મોટાભાગના કિસ્સાઓમાં સમસ્યા બટાકાની નથી, પરંતુ તેને રાંધવાની પદ્ધતિ અને વ્યક્તિની પાચન શક્તિ સાથે જોડાયેલી હોય છે. આવો જાણીએ તેની પાછળનું સાચું વિજ્ઞાન. એક સંશોધન મુજબ બટાકામાં 'રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ' હોય છે. આ એક એવા પ્રકારનો સ્ટાર્ચ છે જે આપણા પેટમાં સંપૂર્ણ રીતે પચતો નથી અને સીધો મોટા આંતરડા સુધી પહોંચે છે. ત્યાં રહેલા ગુડ બેક્ટેરિયા જ્યારે આ સ્ટાર્ચને આથો આપે છે, ત્યારે કુદરતી રીતે ગેસ ઉત્પન્ન થાય છે. જે લોકોની પાચન પ્રક્રિયા સંવેદનશીલ હોય, તેમને આ ગેસના કારણે પેટનું ફૂલવું, ભારેપણું અને એસિડિટી જેવી સમસ્યાઓ થવા લાગે છે.

ખાવાની રીત બદલો, સમસ્યા દૂર થશે

બટાકા ગુણકારી છે કે નુકસાનકારક, તેનો આધાર તમે તેને કેવી રીતે ખાઓ છો તેના પર છે. બાફેલા કે બેક કરેલા બટાકા ખાવા બેસ્ટ છે. આ રીતે રાંધેલા બટાકા પચવામાં ખૂબ જ સરળ અને હળવા હોય છે. ફ્રાઈડ કે મસાલેદાર બટાકા ખાવાથી સમસ્યા થવાની સંભાવના રહે છે. ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અથવા અતિશય તેલ-મસાલાવાળું બટાકાનું શાક પેટ પર દબાણ વધારે છે. તેલયુક્ત ખોરાક પાચન પ્રક્રિયાને ધીમી પાડે છે, જેનાથી એસિડિટી અને છાતીમાં બળતરા થવાની શક્યતા બમણી થઈ જાય છે.

બટાકા ખાવામાં કોણે સાવચેતી રાખવી

જે લોકો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) અથવા પાચનની અન્ય ક્રોનિક સમસ્યાઓથી પીડાતા હોય, તેમણે વધુ પડતા બટાકા ખાવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી પેટમાં દુખાવો અને અગવડતા વધી શકે છે. સામાન્ય રીતે બટાકા પાચન માટે સલામત છે, પરંતુ જો તેને મોટી માત્રામાં લેવામાં આવે તો તે ગેસનું કારણ બની શકે છે. નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ બટાકા ના ખાવા. તેમજ જે લોકોને કબજીયાતની ફરિયાદ રહેતી હોય અને બટાકાની એલર્જી હોય તેમણે આ શાકભાજી અથવા તેમાંથી બનતી વાનગીઓ ખાવામાં સાવચેતી રાખવી. જો તમને વારંવાર બટાકા ખાધા પછી એસિડિટી થતી હોય, તો થોડા દિવસો માટે 'ફૂડ ડાયરી' બનાવો. જેથી તમને સચોટ ખ્યાલ આવશે કે સમસ્યા બટાકાની છે કે તેને બનાવવાની રીતની!


આ પણ વાંચો: Lifestyle: મન શાંત અને મૂડ રહેશે ખુશખુશાલ, આ 7 સુપરફુડ્સ બદલી નાખશે તમારૂં જીવન

  • Follow us on: