દેશના ઘણા ભાગોમાં ચોમાસાની સુંદર ઋતુ શરૂ થઈ ગઈ છે. ચોમાસાની ઋતુ પ્રકૃતિને માણવા માટે શ્રેષ્ઠ છે. આ આહલાદક હવામાન લોકોને મુસાફરી કરવા માટે ખૂબ આકર્ષે છે. વરસાદના દિવસોમાં પર્વતો, ધોધ અને પ્રકૃતિની લીલીછમ હરિયાળી વધુ સુંદર બની જાય છે, જેના કારણે લોકો પોતાના વેકેશનનું આયોજન કરે છે. જોકે, વરસાદની ઋતુ પોતાની સાથે કેટલાક ગંભીર પડકારો પણ લાવે છે. જો તમે ચોમાસાની ઋતુનો આનંદ માણવા તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો. તો ચોક્કસ આ લેખ તમારા કામનો છે. ચોમાસામાં હવામાનના પડકારો વચ્ચે મુસાફરીને સુરક્ષિત રાખવી હોય તો આ ટીપ્સ તમને કામ લાગશે.
ચોમાસામાં મુસાફરી કરતા આ બાબતોનું ધ્યાન રાખો
મુસાફરી કરતા પહેલા પૂર્વ તૈયારી કરો: વરસાદના દિવસોમાં પ્રવાસ પર નીકળતા પહેલા તમારે કેટલીક પૂર્વ તૈયારીઓ પણ કરી રાખવી જોઈએ. મુસાફરી શરૂ કરતા પહેલા તમે જ્યાં જવાના છો તે વિસ્તારની વેધર ફોરકાસ્ટ (હવામાનની માહિતી) ચોક્કસ તપાસો. ભારે વરસાદ, ભૂસ્ખલન (Landslide) કે પાણી ભરાવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો. તમારી ટ્રાવેલ બેગમાં જરૂરી દવાઓ, વધારાના સૂકા કપડાં, રેઈનકોટ, છત્રી અને સામાનને ભીનો થતો બચાવવા માટે વોટરપ્રૂફ બેગ હંમેશા સાથે રાખો.તમારા મોબાઈલ ફોન, પાવર બેંક અને મહત્વપૂર્ણ કાગળો કે દસ્તાવેજોને પ્લાસ્ટિક અથવા વોટરપ્રૂફ કવરમાં સુરક્ષિત રાખો. જો બાળકો કે વૃદ્ધો સાથે હોય તો તેમની જરૂરિયાતોને પ્રાથમિકતા આપો.
સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ : ચોમાસા દરમિયાન બેદરકારી રાખવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વરસાદમાં પલળવાથી અથવા હવામાનના ફેરફારથી શરદી, ઉધરસ, વાયરલ તાવ અને ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) નું જોખમ રહે છે. લાંબા સમય સુધી ભીના કપડાં કે ભીના જૂતા-મોજા પહેરી રાખવાથી ત્વચાની સમસ્યાઓ, એલર્જી અને ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવાથી અને દૂષિત પાણી પીવાથી પેટમાં ઈન્ફેક્શન કે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. જો મુસાફરી દરમિયાન કે તે પછી તાવ, ઝાડા-ઉલટી, અતિશય નબળાઈ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ પણ લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
પ્રવાસને સુરક્ષિત અને આનંદપ્રદ બનાવશે આ ટીપ્સ
ચોમાસાનો પ્રવાસ યાદગાર રહે અને મુશ્કેલીમુક્ત રહે માટે આ ટીપ્સ જરૂર તમને કામ લાગશે. : રોગોથી બચવા માટે પ્રવાસ દરમિયાન પર્સનલ હાઇજીન એટલે કે શારીરિક સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને વારંવાર સાબુ કે સેનિટાઈઝરથી હાથ ધોવાની આદત રાખો. મુસાફરીમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ સ્વચ્છ પાણી પીઓ અને પોષણયુક્ત સંતુલિત આહાર જ લો. ઉત્સાહમાં આવીને શરીર પર વધુ પડતો શ્રમ ન આપો. મુસાફરીની વચ્ચે પૂરતો આરામ કરવો પણ એટલો જ જરૂરી છે જેથી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે.
આ પણ વાંચો : Fashion :હીલ્સ પહેર્યા વિના પણ દેખાશો લાંબા અને સ્ટાઇલિશ! નાની હાઇટ ધરાવતી છોકરીઓ માટે ફેશન હેક્સ