મહિલાઓ માટે ગર્ભાવસ્થા જીવનનો શ્રેષ્ઠ તબક્કો માનવામાં આવે છે. આજની યુવતીઓ જયારે પ્રેગનન્ટ હોય ત્યારે અનેક બાબતોથી અજાણ હોય છે. ખાસ કરીને ખોરાકમાં શું ખાવું કે નહીં તેને લઈને મૂંઝવણ હોય છે. આ દિવસોમાં મોટાભાગની મહિલાઓ અચાનક કેરી, લીંબુ અથવા મરચાના ખાટા-તીખા અથાણા તરફ આકર્ષાય છે. પરંતુ, ઘરમાં અથાણાંનો ઉલ્લેખ થતાં જ વડીલો તરત જ ટોકવાનું શરૂ કરી દે છે કે, "અથાણું ન ખાઓ, તે બાળકને નુકસાન કરશે!"
શું ગર્ભાવસ્થા અથાણું ખવાય, ડોક્ટર શું કહે છે
ગર્ભાવસ્થામાં અનેક વખત મહિલાઓને મસાલેદાર અને ચટાકેદાર ખાવાની ઇચ્છા થતી હોય છે. પરંતુ વડીલો અથાણા જેવા ખોરાક ના ખાવાની સલાહ આપતા હોય છે. આવી સ્થિતિમાં, સગર્ભા સ્ત્રીના મનમાં આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. શું ગર્ભાવસ્થા દરમિયાન અથાણું ખાવું ખરેખર ખોટું છે? કે પછી આ માત્ર પેઢી દર પેઢી ચાલતી આવતી એક માન્યતા છે? વડીલો કહે છે તેમ ગર્ભાવસ્થાના 9 મહિનાના સમયમાં મહિલાઓએ ફક્ત પોતાના જ નહીં બે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હોય છે. એટલે જ તેમણે ખાનપાન અને જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
શું અથાણું ગર્ભાવાસ્થામાં અસુરક્ષિત છે..
ડોક્ટરના મતે ગર્ભાવસ્થા દરમિયાન મર્યાદિત માત્રામાં અથાણું ખાવું બિલકુલ સુરક્ષિત છે. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે કેરી, લીંબુ કે આમલી જેવા ખાટા અથાણાં ખાવાથી ગર્ભસ્થ બાળકને કોઈ નુકસાન થાય છે કે ગર્ભપાતનું જોખમ વધે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ખાટા સ્વાદથી ડરવાની જરૂર નથી, પરંતુ તમે તેને કેટલી માત્રામાં ખાઓ છો તે મહત્વનું છે. વધુમાં ડોક્ટર કહે છે કે આ દિવસોમાં મહિલાઓમાં મૂડ સ્વિંગ થાય છે. એટલે તેમને ચટાકેદાર ખોરાક ખાવાની ઇચ્છા થતી હોય છે. જેના લીધે કયારેક તેનું વધુ પડતું સેવન કરવાના કારણે ખરેખર તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.
ગર્ભાવસ્થામાં અથાણું ખાવાની તીવ્ર ઇચ્છાનું આ છે કારણ
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં મોટાપાયે હોર્મોનલ ફેરફારો થાય છે. આ ફેરફારોને કારણે સ્વાદ (Taste Buds) અને શરીરની જરૂરિયાતો બદલાય છે, જેના લીધે અચાનક ખાટા, મસાલેદાર કે તીખા ખોરાકની ઇચ્છા તીવ્ર બને છે. તેથી, જો આ દિવસોમાં તમને સતત અથાણું ખાવાનું મન થાય, તો તે સંપૂર્ણપણે સામાન્ય છે અને તેમાં કંઈ ખોટું નથી.
આ પણ વાંચો : Diabetes Control Exercise: બેઠાડુ જીવન વધારી દેશે સુગર, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા શારિરીક પ્રવૃત્તિ કેમ જરૂરી ?
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )