મુસાફરી એ ફક્ત નવા પર્યટન સ્થળોની મુલાકાત લેવા પૂરતી સીમિત નથી, પરંતુ તે પોતાની જાતને શોધવાનો, નવા અનોખા અનુભવો મેળવવાનો અને જીવનને એક અલગ નજરિયાથી જોવાનો એક સુંદર માર્ગ છે. આજકાલ યુવાનોમાં 'સોલો ટ્રાવેલિંગ' એટલે કે એકલા પ્રવાસ કરવાનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.  યુવાનો સોલો ટ્રીપનો ક્રેઝ વધવાનું આ છે કારણ.


ભારતમાં વધ્યો સોલો ટ્રીપનો ટ્રેન્ડ

ભારતમાં હજુ પણ ઘણા લોકો એકલા પ્રવાસ કરતા ડરે છે, પરંતુ જે લોકોએ આ સાહસ કર્યું છે તેઓ તેને જીવનભરનો સૌથી યાદગાર અને શ્રેષ્ઠ અનુભવ માને છે. ભારતમાં જ ટૂંકા પ્રવાસથી શરૂઆત કરવા માંગતા હોવ, તો ઋષિકેશ જેવા આધ્યાત્મિક અને સાહસિક સ્થળો સોલો ટ્રાવેલર્સ માટે ખૂબ જ લોકપ્રિય અને સુરક્ષિત માનવામાં આવે છે. ૩૦ વર્ષની ઉંમર વટાવતા પહેલાં તમારે ઓછામાં ઓછી એક સોલો ટ્રિપ પ્લાન કરવી જોઈએ અને તેનાથી તમારા જીવનમાં કેવા સકારાત્મક બદલાવ આવી શકે છે. જો તમે પણ હજુ સુધી એકલા પ્રવાસ નથી કર્યો તો જરૂરથી અનુભવ કરો. 

પોતાની જાતને ઓળખવાનો સુવર્ણ સમય

આપણી દોડધામ ભરેલી જિંદગીમાં આપણે સતત પરિવાર, મિત્રો અને ઓફિસના કામકાજથી ઘેરાયેલા રહીએ છીએ. આવા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પોતાના માટે સમય કાઢવો ખૂબ અઘરો બની જાય છે. સોલો ટ્રિપ તમને ખરેખર તમારી જ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની તક આપે છે. આ પ્રવાસ દરમિયાન તમે તમારી સાચી પસંદ-નાપસંદ, તમારા સપના અને જીવનના વાસ્તવિક લક્ષ્યોને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો છો.

કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની તક

આપણું રોજિંદું જીવન ઘર, કોલેજ કે ઓફિસ અને અમુક ચોક્કસ મિત્રોના વર્તુળ પૂરતું જ મર્યાદિત થઈ જાય છે. પરંતુ જ્યારે તમે એકલા કોઈ અજાણી જગ્યાએ જાઓ છો, ત્યારે તમારી સામે નવા વાતાવરણની સાથે અણધાર્યા પડકારો પણ આવે છે. આ તમામ પરિસ્થિતિઓનો સામનો એકલા હાથે કરવાથી તમારી માનસિક શક્તિ મજબૂત બને છે અને આત્મવિશ્વાસ બમણો થઈ જાય છે.

પોતાના નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા

જ્યારે તમે ગ્રુપ કે ફેમિલી સાથે ટ્રિપ પર જાઓ છો, ત્યારે ક્યાં જવું, શું ખાવું અને ક્યાં રોકાવું જેવા તમામ નિર્ણયોમાં દરેકની સહમતી જરૂરી બને છે. તેની સરખામણીએ સોલો ટ્રિપમાં તમે તમારા પોતાના માલિક છો. તમારી ઈચ્છા હોય ત્યાં જાઓ, ગમે ત્યાં રોકાવ અને આખી ટ્રિપનું પ્લાનિંગ તમારી પોતાની શરતો પર કરો. આ સ્વતંત્રતા અદ્ભુત માનસિક શાંતિ આપે છે.

નવા લોકો અને અજાણી સંસ્કૃતિ સાથે જોડાવાની તક

એકલા મુસાફરી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે અન્ય પ્રવાસીઓ અથવા સ્થાનિક લોકો સાથે બહુ સરળતાથી જોડાઈ શકો છો. તમને નવા મિત્રો બનાવવાની, તેમની અનોખી સંસ્કૃતિ અને જીવનશૈલીને નજીકથી જાણવાની તક મળે છે. સોલો ટ્રિપ દરમિયાન બનેલા કેટલાક અજાણ્યા મિત્રો જીવનભર માટે યાદગાર બની જતા હોય છે.

ડર પર વિજય, બજેટ અને સમયનું વ્યવસ્થાપન

અજાણ્યા લોકો સાથે વાત કરવાનો કે નવી જગ્યાએ એકલા અટવાઈ જવાનો ડર દરેકના મનમાં હોય છે, પરંતુ સોલો ટ્રિપ તમને આ ડરનો સામનો કરીને તેના પર વિજય મેળવતા શીખવે છે. નાની-મોટી મુશ્કેલીઓ જાતે ઉકેલવાથી તમે વધુ પરિપક્વ બનો છો. આ ઉપરાંત, પ્રવાસ દરમિયાન ક્યાં ખર્ચ કરવો અને ક્યાં બચત કરવી, તેનું સંપૂર્ણ નિયંત્રણ તમારા હાથમાં હોવાથી મની મેનેજમેન્ટ (Financial Management) અને ટાઈમ મેનેજમેન્ટની એવી કળા તમે શીખો છો જે જીવનના દરેક તબક્કે કામ આવે છે.


આ પણ વાંચો : Hair Tips : વાળ માટે કઈ ટ્રીટમેન્ટ સૌથી સુરક્ષિત? હેર સ્મૂથિંગ અને સ્ટ્રેટનિંગ વચ્ચેનો તફાવત સમજો

  • Follow us on: