શ્રાવણ મહિનામાં ભગવાન શિવને તમે દૂધમાંથી બનતી મીઠાઈનો ભોગ ધરાવી શકો છો. આ મહિનામાં ઉપવાસ કરવાનું ખાસ મહત્વ છે. ઉપવાસના દિવસોમાં આ મીઠાઈ તમે ફરાળમાં પણ ખાઈ શકશો. ભગવાન શિવને ભોગ ધરાવવા માટે બજાર કરતાં ઘરે વાનગી બનાવો. આજના લેખમાં તમને ફરાળમાં ખઈ શકાય અને ભગવાનને પ્રસાદ તરીકે ચઢાવી શકાય તેવી વાનગીની રેસીપી જણાવીશું.
નાળીયેરના લાડુને તમે નકરોડા ઉપવાસમાં પણ ખાઈ શકશો. ભગવાનને ભોગ પણ ધરાવી શકશો. દૂધ, નારિયેળ અને મલાઈથી બનતી આ વાનગી ઉપવાસમાં તમારી શક્તિ ટકાવી રાખવામાં મદદરૂપ બનશે.
નાળિયેરના લાડુ બનાવવાની સામગ્રી: આ વાનગીમાં તમે ડ્રાયફ્રૂટ અને કેસર પણ નાખી શકો છો.
- 1 કપ ફ્રેશ ક્રીમ
- 2 કપ નારિયેળ પાવડર (નાળિયેરની છીણ)
- ½ કપ કન્ડેન્સ્ડ મિલ્ક -
- ½ ચમચી એલચી પાવડર -
- 1 ચમચી ઘી
નાળિયેરના લાડુ બનાવવાની રીત :
આ વાનગી બનાવવા સૌ પ્રથમ એક કઢાઈ અથવા નોનસ્ટીક વાસણ લો. પછી તેમાં ઘી ગરમ કરો અને ત્યારબાદ તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરો. પછી આ મિશ્રણને મધ્યમ તાપ પર હલાવતા રહો. ક્રીમ થોડી ઘટ્ટ થાય ત્યારે આ મિશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી સારી રીતે મિક્સ કરો. કન્ડેન્સ્ડ મિલ્ક તેમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ થોડો-થોડો કરી નારિયેળ પાવડર ઉમેરો. નાળિયેર પાઉડર નાખતી વખતે તેને સતત હલાવતા રહો. જેથી આ મિશ્રણમાં ગઠ્ઠા ના પડે. આ મિશ્રણ બરાબર એકરસ થાય ત્યારે તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ ઉમેર્યા બાદ 2-3 મિનિટ માટે સાંતળો.
આ મિશ્રણ કઢાઈ છોડવા લાગે એટલે કે છુટું પડતું હોય તેવું લાગે ત્યારે ગેસ બંધ કરી દો. પછી સાધારણ ઠંડુ પડે ત્યારે હાથમાં ઘી લગાવી નાના લાડુ બનાવી લો. તૈયાર થઈ ગયા તમારા નાળિયેરના લાડુ. ક્રીમ અને કન્ડેસન્ડ મિલ્કની અંદર સુગર આવતી હોવાથી તમારે અલગથી ખાંડ લેવાની જરૂર નહીં પડે. આ લાડુ એક સાત્વિક ભોજનનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.