ઘરના આંગણામાં વાવેલો અપરાજિતાનો છોડ તેના આકર્ષક વાદળી, સફેદ અને જાંબલી ફૂલોથી વાતાવરણને પવિત્ર અને સુંદર બનાવે છે. ધાર્મિક માન્યતાઓ અને આયુર્વેદિક ગુણોથી ભરપૂર આ છોડ ઉનાળાની કાળઝાળ ગરમી અને પ્રખર સૂર્યપ્રકાશને કારણે ઘણીવાર કરમાઈ જાય છે. જો તમારા ઘરનો અપરાજિતાનો છોડ પણ ગરમીના લીધે સુકાઈ રહ્યો હોય, તેના પાંદડા પીળા પડી ગયા હોય કે ફૂલો આવતા બંધ થઈ ગયા હોય, તો ચિંતા કરવાની જરૂર નથી.
અપરાજીતા છોડ લીલોછમ થશે
નિષ્ણાતો દ્વારા બતાવવામાં આવેલા કેટલાક સરળ અને અસરકારક ઉપાયો અજમાવીને તમે તમારા અપરાજિતાના છોડને આ ઉનાળામાં પણ લીલોછમ બનાવી શકો છો. અપરાજિતા (Butterfly Pea) એવો છોડ છે જેને સૂર્યપ્રકાશ ગમે છે, પરંતુ મે અને જૂન મહિનાની અસહ્ય ગરમી તેના નાજુક પાંદડા અને મૂળને નુકસાન પહોંચાડે છે. આ સિઝનમાં છોડને નવું જીવન આપવા માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખો.
અપરાજીતા છોડનું રાખો ધ્યાન
બપોરના તીવ્ર સૂર્યપ્રકાશથી રક્ષણ કરો: અપરાજિતાના છોડને વિકાસ માટે તડકાની જરૂર હોય છે, પરંતુ બપોરનો સીધો અને કાળઝાળ તડકો તેને બાળી નાખે છે. કુંડાને એવી જગ્યાએ શિફ્ટ કરો જ્યાં તેને માત્ર સવારનો કુમળો સૂર્યપ્રકાશ મળે અને બપોર પછી ત્યાં આંશિક છાંયો રહે. જો શક્ય હોય તો છોડ પર ગ્રીન નેટનો ઉપયોગ કરો, જેથી છોડ ગરમીના તણાવથી બચી શકે.
પાણી આપવાનો સાચો સમય નક્કી કરો: ઉનાળામાં કુંડાની માટી ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે, જેના કારણે છોડ કરમાઈ જાય છે. છોડને નિયમિત પાણી આપો, પરંતુ બપોરે તડકામાં પાણી આપવાની ભૂલ ક્યારેય ન કરવી. સવારે વહેલા અથવા સાંજે સૂર્યાસ્ત પછી જ પાણી આપો. માટીમાં ભેજ જળવાઈ રહેવો જોઈએ, પરંતુ વધુ પડતું પાણી ભરાઈ ન રહેવું જોઈએ, નહીં તો મૂળ સડી જશે.
સુકાયેલા અને બળી ગયેલા ભાગોની કાપણી: જ્યારે છોડના પાંદડા કે ડાળીઓ ગરમીથી બળી જાય છે, ત્યારે છોડ પોતાની બધી ઉર્જા તે નકામા ભાગને બચાવવામાં વેડફી નાખે છે. જો છોડના પાંદડા પીળા પડી ગયા હોય કે ડાળીઓ સુકાઈ ગઈ હોય, તો તેને કટરની મદદથી તાત્કાલિક કાપીને દૂર કરો. આનાથી છોડ નવી ડાળીઓ અને સ્વસ્થ પાંદડા વિકસાવવા પર પોતાની ઉર્જા કેન્દ્રિત કરી શકશે.
કેમિકલને બદલે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ : ઉનાળામાં ભૂલથી પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરો, કારણ કે તેની પ્રકૃતિ ગરમ હોય છે અને તે છોડને બાળી શકે છે. છોડના સારા વિકાસ અને પોષણ માટે મહિનામાં માત્ર એક જ વાર ગાયનું દેશી છાણિયું ખાતર, વર્મીકમ્પોસ્ટ (અળસિયાનું ખાતર) અથવા ઘરમાં બનાવેલા ઓર્ગેનિક લિક્વિડ ખાતરનો ઉપયોગ કરો. તેનાથી માટી ફળદ્રુપ બનશે.