આપણે મોંઘી વસ્તુઓ અને આકર્ષક પેઇન્ટીંગથી ઘર સુંદર બનાવીએ છીએ. ઘરને સ્વચ્છ રાખવા મહિલાઓ આખો દિવસ કેટલી મહેનત કરે છે. પરંતુ આ જ બારીઓમાંથી ગૂટર..ગૂટર.. કરતાં અણગમતા મહેમાનો એવા કબૂતરોનું આગમન થાય છે. કબૂતરો સ્વચ્છ ઘરને વધુ ગંદુ બનાવે છે. કયારેક કબૂતરોનો ત્રાસ એટલો બધો વધી જાય કે ઘરની બારીઓ ખોલતા પણ બીક લાગતી છે. કબૂતરોના ત્રાસના કારણે ઘરની બાલ્કની અને બારીઓમાં લોકો જાળી લગાવવા લાગ્યા છે. 


કબૂતરો બન્યા માથાનો દુખાવો

ઘરની બારીઓમાંથી આવતો સૂર્યપ્રકાશ ઘરને વધુ ઉર્જાવાન બનાવે છે. કબૂતરોની વસ્તી સતત વધી રહી છે અને ફલેટો અને સોસાયટીમાં આજે કબૂતરોનો ઉપદ્રવ વધ્યો છે. તેઓ જ્યાં જાય છે ત્યાં ગંદકી વધુ કરે છે. એક જમાનામાં શાંતિનું પ્રતિક મનાતા કબૂતરો દ્વારા ફેલાતી ગંદકી ફકત પર્યાવરણને પ્રદૂષિત કરે છે એટલું જ નહીં લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બનવા લાગી છે. કબૂતરના મળ એલર્જી, ફંગલ ચેપ અને શ્વસન રોગોનું જોખમ વધારતા હોવાથી ઘરની આસપાસ ફરતા કબૂતરો આજે માથાનો દુખાવો બન્યા છે. કબૂતરોના આતંકથી છુટકારો મેળવવા વર્ષો જૂના દાદીના નુસખા જરૂર કામ લાગશે.

કબૂતરથી છુટકારો મેળવવા ટ્રાય કરો ટિપ્સ

એટલે કબૂતરોથી છુટકારો મેળવવા જાળી લગાવવાના બદલે આ ટીપ્સ જરૂર ટ્રાય કરો. ઘરમાં કબૂતરોનો પ્રવેશતા અટકાવવા તમે ચળકતી વસ્તુનો ઉપયોગ કરો. આ ચળકતી વસ્તુઓથી કબૂતરોની આંખ અંજાઈ જાય છે અને બળતરા થવા લાગે છે. તમે જૂની સીડી, ચળકતી રિબન અથવા એલ્યુમિનિયમ ફોઇલના ટુકડા બારી કે બાલ્કનીમાં લટકાવો. સૂર્યપ્રકાશ તેમના પર પડે ત્યારે તેમાંથી નીકળતી ચમક કબૂતરોને ભગાડશે. આ સિવાય લસણ, મરી અને મરચાંના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તેમજ નેપ્થેલિન બોલ્સને નાના ટુકડાઓમાં તોડી નાખો અને તેમને એવી જગ્યાએ મૂકો જ્યાં કબૂતરો વારંવાર આવે છે. કબૂતરોને આ વસ્તુઓની ગંધ ગમતી નથી એટલે તેઓ એવા સ્થાન પરથી પ્રવેશ કરશે નહીં.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: