- પાર્ટનરની પસંદની કેક બનાવો ઘરે
- રોમેન્ટિક અને યાદગાર દિવસની કરો ખાસ રીતે ઉજવણી
- ફટાફટ ઘરે બની જશે બ્લેક ફોરેસ્ટ કેક
વેલેન્ટાઈન ડે હોય અને યમ્મી કેકનો સ્વાદ જ ન માણીએ તે તો કેમ ચાલે? તો ચાલો આ વખતે બહારથી કેક લાવવાના બદલે તેને ઘરે જ તૈયાર કરી લઈએ. આજે આપણે સરળ રીતે બ્લેક ફોરેસ્ટ કેક ઘરે કેમ બનાવવી તે વિશે જાણીશું. તમે તેને ઓવનમાં સરળતાથી તૈયાર કરી શકો છો. આ વેલેન્ટાઈન ડે પર તમે તમારા પ્રિય વ્યક્તિને જ્યારે તમારા જ હાથની બનેલી કેક ખવડાવશો તો ચોક્કસથી તમારો દિવસ વધારે રોમેન્ટિક અને યાદગાર બની જશે. તો આ વખતે બ્લેક ફોરેસ્ટ કેક સાથે યાદગાર બનાવો વેલેન્ટાઈન ડે.
બ્લેક ફોરેસ્ટ કેક
સામગ્રી
-250 ગ્રામ મેંદો
-150 ગ્રામ દળેલી ખાંડ
-100 ગ્રામ બટર
-11/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
-2 કપ દૂધ
-1/2 ચમચી સાજીના ફૂલ
-11/2 ટેબલ સ્પૂન કોકો પાવડર
-3 ટેબલ સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર
આઈસીંગ માટે
-250 ગ્રામ ફ્રેશ ક્રીમ
-100 ગ્રામ આઈસીંગ સુગર
-1 કપ છીણેલી ચોકલેટ
-1/4 ટી સ્પૂન વેનીલા એસેન્સ
ગાર્નીશીગ માટે
-ચેરી
રીત
સૌપ્રથમ બટરમાં દળેલી ખાંડ ઉમેરી ખુબ જ ફીણી હલકું કરવું. ત્યાર બાદ તેને બાજુ પર રાખવું. હવે મેંદો, બેકિંગ પાવડર, સાજીના ફૂલ, કોકો પાવડર તથા ડ્રિન્કીંગ ચોકલેટ પાવડરને ભેગા કરી 3 થી 4 વાર ચાળી લેવું. હવે બટરવાળા મિશ્રણને લઇ તેમાં થોડું દૂધ નાખી ફીણી લેવું. ત્યાર બાદ તેમાં ધીમે-ધીમે મેંદાવાળું મિશ્રણ અને દૂધ નાંખતા જવું અને બીટરથી બીટ કરતા જવું. એક જ દિશામાં બીટ કરવું. લગભગ 10 મિનીટ માટે બીટ કરતા રહેવું. ગ્રીસ કરેલા માઈક્રો ઓવન પ્રૂફ બાઉલમાં રેડી માઈક્રો મીડીયમ પર 8 મિનીટ માટે રાખવું. કેક ઠંડી થઇ જાય એટલે વાયર રેક પર અન મોલ્ડ કરી લેવી. બરોબર ઠંડી થાય એટલે તેના વચ્ચેથી 2 ભાગ કરી બન્ને ભાગ પર સુગર સીરપથી આઈસીંગ કરવું. આઈસીંગ કરવા માટે ક્રીમના બાઉલને બરફવાળા વાસણમાં મૂકી તેમાં આઈસીંગ સુગર તથા વેનીલા એસેન્સ નાખી બિટર કે ચમચા વડે બીટ કરવું. તૈયાર થયેલા આઈસીંગને કેકના બે ભાગની વચ્ચે તથા કેકની ઉપર લગાવી લો. ત્યાર બાદ તેના પર છીણેલી ચોકલેટ ભભરાવો. ઉપર ચેરી મૂકી સર્વ કરો.