• દમ આલુનું શાક સરળ રીતે બનશે ફટાફટ
  • ગ્રેવીની મદદથી તૈયાર થતું શાક ટેસ્ટમાં લાગશે ટનાટન
  • પરોઠા સિવાય ભાત સાથે પણ આ ટેસ્ટી શાકની માણી શકાશે મજા

ભાગ્યે જ એવો કોઈ ગુજરાતી હશે, જેને બટાકાનું શાક ભાવતું નહીં હોય. ગૃહિણીઓ માટે પણ સૌથી સરળ ઉપાય છે બટાકાનું શાક. બનાવવામાં પણ સરળ અને જ્યારે કંઈ શાક ન હોય તો બનાવો બટાકાનું ટેસ્ટી શાક. આમ તો શાકના રાજા રીંગણને કહેવામાં આવે છે, પણ આપણા ગુજરાતીઓ માટે તો શાકના રાજા બટાકા જ છે. તો જાણો કઈ રીતે ટેસ્ટી દમ આલુનું શાક ઘરે બનાવી શકાશે.

દમ આલુ

સામગ્રી

-500 ગ્રામ બટાટા

-1 ટી સ્પૂન જીરૂં

-1 ચપટી હિંગ

-2 ડુંગળીની પેસ્ટ

-1 ટેબલ સ્પૂન આદું-લસણની પેસ્ટ

-3 ટામેટાની ગ્રેવી

-1 ટેબલ સ્પૂન લાલ મરચું

-2 ટેબલ સ્પૂન ધાણાજીરૂં

-1/2 ટી સ્પૂન હળદર

-1/2 ટી સ્પૂન ગરમ મસાલો

-તેલ જરૂર મુજબ

-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌ પ્રથમ નાના બટાકાને છોલી તેમાં સોઈ કે કાંટાની મદદથી કાણા પાડી લો. આ બટાકાને મીઠાના પાણીમાં વીસ મિનિટ રાખી મૂકો. પછી તેને સાફ કપડાથી લૂંછી લો. હવે આ બટાકાને તેલમાં તળી લો. જ્યારે બટાકા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યારે બટાકાને ધીરે ધીરે બહાર કાઢી લો. હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હીંગ નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવી. ત્યાર બાદ તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરીને બે ત્રણ મિનિટ સુધી સાંતળવું. હવે ટામેટાની ગ્રેવી નાખીને બે મિનિટ થવા દો. ત્યાર બાદ તેમા મીઠું, જીરૂં પાવડર, ધાણાજીરૂનો પાવડર, હળદરનો પાવડર અને લાલ મરચું પાવડર નાખીને બરાબર હલાવો. હવે તેમાં તળેલા બટાકા નાખીને દમ આલુનું શાક બરાબર હલાવી લેવું. શાકમાં મીડિયમ ગ્રેવી રાખો. તૈયાર છે ચટાકેદાર દમ આલુનું શાક. કોથમીરથી ગાર્નિશ કરીને, આ શાક પરાઠા કે જીરા રાઈસ સાથે સર્વ કરો.

  • Follow us on: