રસોઈમાં દરરોજ નવી નવી વાનગીઓ બનતી હોય છે. પરંતુ મોટાભાગની વાનગીઓ સાથે એક કોમન વસ્તુ હોય તો તે છે ચટણી. ચટણી વિના વાનગી થોડી અધુરી-અધુરી લાગે છે. ગુજરાતી ફૂલ ભાણાં જાત-ભાતની ચટણી અને અથાણાં વગર અધૂરાં છે. તો આજે અમે તમારા માટે વિવિધ પ્રકારની ચટણીઓની રેસિપિ લાવ્યા છીએ. જેનો સ્વાદ તમારા ભોજનના સ્વાદને વધારી દેશે. સાથે જ ક્યારેક શાક બનાવવાનો કંટાળો આવે કે પછી શાકભાજી લાવવાનું ભૂલી ગયા હોવ ત્યારે તમારા માટે ચટણી ભગવાનની બરાબર બની શકે છે. બસ તો આવી જ સરસ મજાની ટેસ્ટી-ટેસ્ટી ચટણીની રેસિપી અત્યારે જ નોંધી લો. અને કરો ફટાફટ ટ્રાય.


ટામેટાની ચટણી

સામગ્રી

-2 ટેબલ સ્પૂન ચણા દાળ

-1 નંગ ડુંગળી સમારેલી

-3 થી 4 મીઠા લીમડાના પાન

-2 નંગ લાલ મરચાં

-1/4 ટી સ્પૂન હળદર

-1/4 ટી સ્પૂન હિંગ

-1 કપ ટામેટાં સમારેલા

-1 ટી સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

-1/2 ટી સ્પૂન રાઈ

-2 નંગ લાલ મરચાં

-1 ટેબલ સ્પૂન તેલ

રીત

સૌપ્રથમ દાળને ધોઈને એકબાજુ પર મૂકો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ધોયેલી દાળ નાખીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં ડુંગળી, મીઠા લીમડાના પાન, લાલ મરચાં, હળદર અને હિંગ નાખીને બીજી એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટાં નાખીને ફરીથી બરાબર મિક્સ કરો. લગભગ પાંચેક મિનિટ માટ સાંતળો. ટામેટાં ચઢીને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળો. હવે ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં લઈ તેમાં મીઠું અને પાણી ઉમેરો. ત્યાર બાદ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે વઘાર માટેની તૈયારી કરો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને લાલ મરચાં નાખીને એકાદ મિનિટ માટે સાંતળો. તૈયાર થયેલા વઘારને ચટણીમાં નાખીને બરાબર મિક્સ કરીને ઢોંસા ઉતારો ત્યારે સાથે આ ટેસ્ટી ચટણી સર્વ કરો.


નાળીયેરની ચટણી

સામગ્રી

-1/2 કપ સમારેલું લીલું નાળીયેર

-2 નંગ લીલા મરચાં

-1 કટકો આદું

-1/4 કપ દાળિયા

-1/4 કપ કોથમીર

-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

-1/4 ટી સ્પૂન તેલ

-1/8 ટી સ્પૂન રાઇ

-1/8 ટી સ્પૂન અડદની દાળ

-4 થી 5 લીમડાના પાન

રીત

ચટણી માટેની બધી સામગ્રી ભેગી કરીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. ત્યાર બાદ વઘારિયામાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તૈયારીમાં અડદની દાળ અને મીઠા લીમડાના પાન નાખીને બરાબર મિક્સ કરો. એકાદ મિનિટમાં તૈયાર થયેલો વઘાર ચટણી પર નાખીને બરાબર મિક્સ કરી દેવી.

લીલા મરચાંની ચટણી

સામગ્રી

-10 થી 12 નંગ લીલા મરચાં

-1 ટેબલ સ્પૂન અડદની દાળ

-1/4 ટી સ્પૂન જીરૂં

-1 ટેબલ સ્પૂન આંબલીનો પલ્પ

-1 ટી સ્પૂન ગોળ

-3 ટી સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

-1/2 ટી સ્પૂન રાઈ

-1/2 ટી સ્પૂન તેલ

-મીઠો લીમડો

રીત

સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં લીલા મરચાં નાખીને ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ ગેસ બંધ કરીને મરચાં કાઢી લઈને તેને ઠંડા થવા દો. હવે એ જ પેનમાં ફરીથી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં અડદની દાળ નાખીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેને પણ ગેસ પરથી ઉતારીને ઠંડી થવા દો. હવે એક ઝારમાં લીલા મરચાં, અડદ દાળ, ગોળ, આંબલી અને મીઠું નાખીને ગ્રાઈન્ડ કરી લો. જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો. હવે વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં મીઠો લીમડો અને હિંગ નાખીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ ગેસ બંધ કરીને આ વઘાર તૈયાર કરેલી પેસ્ટમાં નાખીને બરાબર મિક્સ કરો. તૈયાર છે સરસ મજાની સ્પાઈસી ચટણી.


લસણની સૂકી ચટણી

સામગ્રી

-1/4 કિગ્રા કાશ્મીરી આખા મરચા

-2 સૂકા લસણની કળીઓનો ગાંઠો

-1 મોટો ચમચો ધાણા

-1 મોટો ચમચો સફેદ તલ

-1 નાની ચમચી જીરુ

-મીઠું સ્વાદાનુસાર

રીત

લસણ સિવાયની દરેક સામગ્રી ભેગી કરી વાટી લો. લસણની કળીઓ અલગથી સાફ કરી વાટી આગળની વાટેલી સામગ્રી સાથે ભેગું કરી લો. સ્વાદાનુસાર મીઠું ભેળવવું. આમ કરવાથી સૂકી લસણની ચટણી બનશે. આ ચટણીનો ઉપયોગ આપ કોઈપણ વસ્તુમાં કરી શકો છો.

ડુંગળીની ચટણી

સામગ્રી

-1 મધ્યમ કદની ડુંગળી

-1 મોટા કદનું ટામેટું

-1 ટેબલ સ્પૂન ચણા દાળ

-3 નંગ લાલ સૂકાં મરચાં

-1 ચપટી હિંગ

-1 ટેબલ સ્પૂન નારિયેળનું છીણ

-2 ટી સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

-1 ટી સ્પૂન તેલ

-3/4 ટી સ્પૂન રાઈ

-1 ટી સ્પૂન અડદની દાળ

-1 ડાળખી મીઠો લીમડો

રીત

સૌપ્રથમ ડુંગળી અને ટામેટાંને મોટા સમારી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સૂકાં લાલ મરચાં અને ચણાની દાળ નાખીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢીને એકબાજુ પર મૂકો. હવે ડુંગળી અને ટામેટાંને સાંતળો. ડુંગળી લાઈટ પીન્ક રંગની થાય અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટમાં કાઢીને ઠંડું કરો. હવે મિક્સર જારમાં ડુંગળી-ટામેટાંનું મિશ્રણ, સૂકાં લાલ મરચાં, ચણાની દાળ, નારિયેળ અને મીઠું નાખીને ગ્રાઈન્ડ કરી લો. એકદમ સ્મૂધ પેસ્ટ બને એ રીતે ગ્રાઈન્ડ કરી લો. જરૂર લાગે તો થોડુંક જ પાણી પણ ઉમેરો. હવે વગાર માટેનું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં અડદની દાળ અને મીઠો લીમડો નાખીને સાંતળો. તૈયાર થયેલા વગારને ચટણીમાં નાખીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ચટણી.

ફૂદીનાની ચટણી

સામગ્રી

-3 થી 4 ચમચી દહીં

-11/2 કપ ફૂદીનો

-1 કપ કોથમીર

-1 નંગ લીલું મરચું

-1 નંગ ડુંગળી સમારેલી

-1/2 ઈંચનો આદુંનો ટુકડો

-2 થી 3 લસણની કળી

-1 ટી સ્પૂન જીરૂં પાવડર

-1 ટી સ્પૂન ચાટ મસાલો

-1 ટી સ્પૂન આમચૂર પાવડર

-સિંધાલુણ મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ દહીંને એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈને બરાબર વલોવી લો. હવે તેમાં બાકીના બધા પાવડર મસાલા નાખીને ફરીથી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ મિક્સર ગ્રાઈન્ડરમાં ફૂદીનો, કોથમીર, આદું, ડુંગળી અને લીલા મરચાં લઈને ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ફરીથી તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લો. જેથી દહીં અને ચટણી બરાબર મિક્સ થઈ જાય. તૈયાર છે સ્વાદિષ્ટ ફૂદીનાની ચટણી. જેને તંદૂરી વાનગીઓ સાથે ખાવાની મજા વધારે આવે છે.


કેરીની ચટણી

સામગ્રી

- 2 નંગ કાચી કેરી

- 200 ગ્રામ લીલી કોથમીર

- 6 નંગ લીલા મરચા

- 8 કળી લસણ

- 1/2 ચમચી શેકેલું જીરું

- 2 નાળિયેરના ટુકડા

- 1 ચમચી લીંબુનો રસ

- 1 ચમચી ખાંડ

- સ્વાદ અનુસાર મીઠું

- પાણી

રીત

કાચી કેરીની ચટણી બનાવવા માટે પહેલા કેરીને સારી રીતે ધોઈ લો. હવે તેને કપડાથી સારી રીતે સાફ કરી દો. ત્યારબાદ હવે કેરીની છાલ કાઢીને કેરીના નાના-નાના ટુકડા કરી લો. આ પછી લીલી કોથમીર, મરચા અને લસણના પણ નાના-નાના ટુકડા કરી લો. હવે મિક્સરમાં આ તમામ વસ્તુઓ નાંખો. આની સાથે જ શેકેલું જીરું, નાળિયેરના ટુકડા, એક ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠુ અને એક ચમચી લીબુંનો રસ નાંખો. હવે મિક્સરમાં આ બધું જ ક્રશ કરી લો. હવે આ મિશ્રણમાં થોડું પાણી નાખો, ત્યારબાદ ફરી ક્રશ કરો. જ્યારે આ તમામ સામગ્રીઓ સારી રીતે ક્રશ થઈ જાય એટલે એક વાટકીમાં આ મિશ્રણને કાઢીને તેને ફ્રિજમાં રાખી દો. તૈયાર છે ટેસ્ટી અને ખાટીમીઠી ચટણી. તમે બપોરે તેને રોટલી સાથે ખાઈ શકો છો. તેને સ્વાદ એકદમ જોરદાર લાગશે. 

  • Follow us on: