ભારતમાં નવરાત્રિ તહેવાર તેમજ એક નિશ્ચિત તિથિમાં ઉપવાસ કરવાનું માહાત્મય છે. હિન્દુ કેલેન્ડરમાં આવતી મહા મહિનામાં આવતી શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ રાખી ફરાળી ભોજન કરતા હોય છે. આ ઉપરાંત અગિયારસ, સંકટ ચોથ, પ્રદોષ અને પૂનમની ખાસ તિથિ પર લોકો ઉપવાસ કરતા હોય છે. 


શ્રદ્ધાળુઓ જુદી-જુદી રીતે કરે છે ઉપવાસ

શ્રદ્ધાળુઓ જુદી-જુદી રીતે ઉપવાસ કરે છે. કોઈ એકટાણું અથવા નિર્જળા ઉપવાસ કરે છે અથવા તો કોઈ અલણૂં કરે છે તો કેટલાક લોકો ફરાળી ભોજન કરી ઉપવાસ કરતા હોય છે. ફરાળી ભોજનમાં આજે ફક્ત સૂકી ભાજી અને મૌરેયાની ખીચડી સિવાય પણ વિવિધતા જોવા મળે છે. અગિયારની તિથિ હોય કે પછી સોમવાર કે શનિવાર કરવાનો નિયમ લીધો હોય તમે ફરાળી ભોજનમાં આ વાનગી બનાવી પોતાનું વ્રત પૂર્ણ કરી શકો છો. અમે તમને સાબુદાણાના ઢોસા બનાવવાની પરફેકટ રીતે જણાવીશું. આ રીતે ઢોસા બનાવશો તો મોટાથી લઈને બાળકોને પણ પસંદ આવશે.

સાબુદાણાના ઢોસા બનાવવા માટેની સામગ્રી (3-4 person)

  • 2 વાટકી સાબુદાણા
  • 1 વાટકી મોરૈયો
  • 2 લીલા મરચા બારીક સમારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/4 ચમચી ખાંડ
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ ઘી

સાબુદાણાના ઢોસા બનાવવાની રીત

સાબુદાણાના ઢોસા બનાવવા માટે તમારે ખીરું પલાળવાની કે સાબુદાણા પલાળવાની કોઈ ઝંઝટ નથી. આ ઢોસા બનાવવા માટે તમે સૌપ્રથમ સાબુદાણાને મિક્સરમાં બારીક ગ્રાઈન્ડ કરી લો. (અને જો વરસાદ જેવુ વાતાવરણ હોય તો ભેજ દૂર કરવા તેને એક કઢાઈમાં સાધારણ ગરમ કર્યા બાદ મિક્ષરમાં ગ્રાઈન્ડ કરો.) મિકસરમાં સાબુદાણા ગ્રાઈન્ડ કર્યા બાદ તેને ચારણીથી ચાળી લેવા જેથી ઢોસા ઉતારવામાં સરળતા રહે.

આમ કર્યા બાદ એક બાઉલમાં આ સાબુદાણા ક્રશ કરેલ પાઉડર લો અને તેમાં મોરૈયો અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. આ મિશ્રણને હલાવી તેનું ખીરા જેવું ઘોળ કર્યા બાદ દસ મિનિટથી 15 મિનિટ માટે એરટાઈટ વાસણમાં ઢાંકી રાખો. પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને સ્વાદ માટે મીઠું અને લીલા મરચાં અને કોથમીર નાખો. આ ખીરું તૈયાર થયા બાદ બીજી બાજુ નોનસ્ટિક તવી ગરમ કરો. અને નોનસ્ટીક ગરમ થયા બાદ તેમાં વાટકીથી ખીરું પાથરી દો અને ઉપરથી ઘી લગાવી લો. અને મીડીયમ ગેસ ઉપર ક્રિસ્પી અને બદામી રંગના થાય ત્યાં સુધી થવા દો. એકબાજુનુ પડ થઈ ગયા બાદ પછી બીજી બાજુનું પડ સાધારણ ગરમ કરવા તવી પર મૂકો. તૈયાર થઈ ગયા તમારા સાબુદાણાના ટેસ્ટી ઢોસા. તમે આ ઢોસાને કોથમીર-ફૂદીનાની ચટણી અથવા બટાકાની સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો છો.

  • Follow us on: