- કોલેસ્ટ્રોલ સામે લડવામાં લાભદાયી છે ગાજર
- હાર્ટને હેલ્ધી રાખી ડાયજેશન સુધારે છે ગાજરના વિટામિન
- વિટામિન એ આંખના સ્વાસ્થ્ય માટે લાભદાયી
શિયાળાની સીઝન એટલે ગરમાગરમ ભોજનની મજા. અનેક લીલા શાક અને ગાજરની અનેકવિધ વાનગીઓની સાથે તેનો હલવો. નામ આવતાં જ મોંમાં પાણી આવે. અનેક ઘરોમાં આ હલવો બનવાની શરૂઆત થઈ જતી હોય છે અને નાના મોટા સૌને આ હલવો પસંદ પણ હોય છે. આ હલવો હેલ્થને માટે લાભદાયી રહે છે. તેમાં ડ્રાયફ્રૂટ્સ, દૂધ અને ધીનું મિશ્રણ હોય છે. આ સાથે તેમાં માવો મિક્સ કરવાથી તે હેલ્ધી બને છે. જો કે માવા વિના પણ ટેસ્ટી અને હેલ્ધી હલવો ફટાફટ ઘરે જ બનાવી શકાય છે. કૂકરમાં આ હલવો ઝડપથી બની જાય છે. તો જાણો સિમ્પલ સ્ટેપ્સની રેસિપિ.
સામગ્રી
- 1 કિલો છીણેલું ગાજર
- 1/2 લીટર ફૂલ ક્રીમ મિલ્ક
- 400 ગ્રામ ખાંડ
- સુધારેલા મિક્સ ડ્રાયફ્રૂટ્સ
- 1 ટી સ્પૂન એલચી પાવડર
- 3 ટેબલ સ્પૂન ઘી
બનાવવાની રીત
સૌ પહેલા તો છીણેલા ગાજરને કૂકરમાં 1 ગ્લાસ દૂધ ઉમેરીને 2 સીટી લઈ લો. સીટી વાગે પછી કૂકરને ઠંડું થવા દો. અન્ય તરફ એક કઢાઈ લો અને મીડિયમ ફ્લેમ પર તેને ગરમ કરો. તેમાં ઘી ઉમેરો અને પછી કૂકર ખોલીને તેમાંનું ગાજર તેમાં મિક્સ કરો. તેને સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે જરૂર લાગે તો તેમાં વધુ દૂધ મિક્સ કરો. જ્યારે દૂધ સૂકાઈ જાય તો તેમાં ખાંડ મિક્સ કરો. તેનું પાણી બળવા દો. હવે એલચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી લો. માવા વિના જ મસ્ત અને ફટાફટ રીતે તમારો હલવો તૈયાર થઈ જશે. તમે તેને ગરમાગરમ પીરસી શકો છો.
ગાજરનો હલવો ખાવાના ફાયદા
ગાજર કોલેસ્ટ્રોલ સામે લડવામાં મદદ કરે છે અને હાર્ટને હેલ્ધી બનાવે છે. ગાજરમાં વિટામિન એ હોય છે જે આંખ માટે લાભદાયી રહે છે. ગાજર ડાયજેશનમાં મદદ કરે છે અને સાથે તેના વિટામિન, મિનરલ, એન્ટીઓક્સીડન્ટ્સનો ખજાનો ઈમ્યુનિટી વધારે છે. ગાજરનો હલવો વધારે ઘી સાથે તૈયાર કરાય છે અને તે શિયાળામાં સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. ઘીમાં વસાનું પ્રમાણ વધુ હોય છે જે દર્દને ઘટાડે છે. ગાજરમાં વિટામિન એ હોય છે જે છાતીના સંક્રમણ અને સીઝનલ સંક્રમણની સારવારમાં મદદ કરે છે.