• આ વાનગીને સાંજના નાસ્તામાં કે ડિનરમાં પણ ટ્રાય કરી શકો છો
  • અનેક શાકની મદદથી બ્રેડની આ વાનગી ફટાફટ થશે તૈયાર
  • આ મસાલા બ્રેડને ચા, કોફીની સાથે સર્વ કરી શકાશે

મસાલા બ્રેડ એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને તમે ફક્ત 15 મિનિટથી પણ ઓછા સમયમાં તૈયાર કરી શકો છો. બ્રેડની સાથે શાકનું મિશ્રણ, આ સ્વાદિષ્ટ રેસિપિ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ આવશે. આ વાનગીને તમે સાંજના સમયે ઉપયોગમાં લઈ શકો છો. આ ડિશને તમે નાસ્તામાં કે ડિનરમાં પણ બનાવી શકો છો. તમે ઘરે બ્રેડની સ્લાઈસ બચી હોય તો તેની મદદથી પણ આ ડિશ બનાવી શકો છો. આ રેસિપિમાં ડુંગળી, ટામેટા, શિમલા મરચા અને ગાજરને સામેલ કરી શકો છો. આ સિવાય કોર્ન અને કોબીજ પણ ખાસ રહેશે. તો જાણો સરળ રેસિપિ.

મસાલા બ્રેડ માટેની સામગ્રી

  • 4 નંગ બ્રેડ સ્લાઈસ
  • 2 મોટી ચમચી માખણ કે બટર
  • 1/2 મીડિયમ સાઈઝની સુધારેલી ડુંગળી
  • 1/2 ટામેટું સુધારેલું
  • 2 કળી લસણ
  • 1/2 નાનું ગાજર બારીક સુધારેલું
  • 1/2 નાનું કેપ્સીકમ મરચું બારીક સુધારેલું
  • 2 મોટા ચમચા કેચપ
  • મીઠું સ્વાદ અનુસાર

જાણો બનાવવાની રીત

બ્રેડ સ્લાઈસના નાના ટુકડા કરો અને એક બાઉલમાં અલગ રાખો. હવે એક પેન લો અને તેમાં માખણ ગરમ કરો. સુધારેલું લસણ અને ડુંગળી મિક્સ કરો અને 2 મિનિટ સુધી સાંતળો. તેમાં સુધારેલા મરચા. ટામેટા, ગાજર બધા તમારી પસંદના શાક મિક્સ કરો. શાકને 3-4 મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં તમારી પસંદના મસાલા અને કેચપ અને મીઠું મિક્સ કરો. તમે ઈચ્છો તો ચાટ મસાલો પણ મિક્સ કરી શકો છો. હવે 1 મિનિટ સુધી ગેસ પર તેને મિક્સ કરો. અંતમાં સુધારેલા બ્રેડના ટુકડા મિક્સ કરો અને મિશ્રણમાં તેને સારી રીતે ફ્રાય કરી લો. હવે ફરી 1 મિનિટ સુધી બધું મિક્સ કરો અને ગેસ બંધ કરો. તમે તેને તમારી પસંદની ચટણી કે ચા-કોફીની સાથે પીરસી શકો છો. 

  • Follow us on: