- પાણીમાં નાંખીને કરો ઓળખ
- સ્વાદની મદદથી પણ જાણી શકાશે
- કેમિકલથી પકવેલું તરબૂચ માથાનો દુઃખાવો અને કેન્સરનું કારણ બનશે
તરબૂચ ઉનાળાની ઋતુમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફળોમાંનું એક છે, કારણ કે તે આપણને હાઈડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે અને સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. તરબૂચમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. ઉનાળામાં તેની માંગ વધવાને કારણે આ ફળને ઝડપથી પકવવા માટે પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી હેલ્થને ઘણું નુકસાન થઈ શકે છે. કેમિકલ વાળું તરબૂચ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કેમિકલના ઉપયોગથી તરબૂચ ઝડપથી પાકે છે અને લાલ રંગનું દેખાય છે. અહીં આપણે ખરીદીમાં છેતરાઈ જઈએ છીએ. તો જ્યારે તમે તરબૂચ ખરીદો ત્યારે જાણો કે તે કુદરતી રીતે પાક્યું છે કે કેમિકલથી પકવવામાં આવ્યું છે.
રાસાયણિક રીતે પાકેલા તરબૂચને કેવી રીતે ઓળખવું?
1. પાણીમાં નાખીને કરો ઓળખ
તરબૂચનો ટુકડો કાપો અને તેને સંપૂર્ણપણે પાણીથી ભરેલી તપેલીમાં મૂકો. જો પાણીનો રંગ બદલાય તો સમજવું કે તરબૂચ કેમિકલથી પકવવામાં આવ્યું છે.
2. થોડા દિવસો રહેવા દો
આ સૌથી સરળ ટ્રીક છે કે તરબૂચને 2 થી 3 દિવસ માટે ટેબલ પર રાખો. જો તેમાં રસાયણો ઉમેરવામાં આવ્યા છે તો તે ઝડપથી સડવા લાગશે અને ટેબલ પરના ફળોમાંથી દુર્ગંધવાળો રસ પડવા લાગશે. જો આવું થાય તો સમજવું કે તરબૂચ કેમિકલની મદદથી પકવી દેવાયું છે.
3. સ્વાદની મદદથી કરો ઓળખ
કેમિકલ વડે પકાવેલા તરબૂચની કુદરતી મીઠાશમાં ચોક્કસ બદલાવ આવશે. મતલબ કે તરબૂચની મીઠાશ ઓછી થઈ જશે. જો તરબૂચ કાપતી વખતે લાલ હોય પણ તેમાં મીઠાશનો અભાવ હોય તો સમજવું કે તે કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
4.ટિશ્યૂ પેપરથી કરો ઓળખ
જ્યારે તમે તરબૂચ ખરીદતી સમયે તેને કપાવો છો ત્યારે તમે તેની ઉપર ટિશ્યૂ પેપર 1 મિનિટ લગાવી રાખો. આમ કરવાથી જો ટિશ્યૂ પેપર પર લાલ કલર આવે છે તો તે કેમિકલથી પકવેલું તરબૂચ હોય છે. તો તમારે તેની ખરીદી ટાળવી.
કેમિકલ વાળું તરબૂચ ખાવાના ગેરફાયદા
તરબૂચને ઝડપથી પાકવા માટે ઓક્સીટોસિન કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. કેટલાક લોકો તરબૂચને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડનો પણ ઉપયોગ કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તે ભેજના સંપર્કમાં આવે છે, ત્યારે તે ઇથિલિન છોડે છે. આ પ્રકારના તરબૂચનું સેવન માથાનો દુઃખાવો અને કેન્સર જેવા રોગોનું કારણ બની શકે છે.
Disclaimer : આ લેખ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે.. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં