• જૂન મહિનામાં ફરવા માટે મુન્નાર બેસ્ટ પ્લેસ
  • ધર્મશાળાનું મનમોહક વાતાવરણ મોહી લેશે મન
  • દાર્જિલિંગમાં એડવેન્ચર રાઈડની મજા માણી શકાશો

આ સીઝનમાં ગરમી કહેર વર્તાવી રહી છે. જેના કારણે અનેક લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે તો કેટલાક બીમારીનો ભોગ પણ બની રહ્યા છે. ભારે ગરમી દરેકના શ્વાસ અધ્ધર કરી રહી છે. આ સાથે જ ઉનાળાની રજાઓ પણ પૂરી થવામાં છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઉનાળાની રજાઓ મનાવવા માટે ઠંડી જગ્યાઓ શોધી રહી છે. જો તમે પણ આ સમયે કેટલીક સારી અને ઠંડકવાળી જગ્યાની શોધમાં છો તો 3 જગ્યાઓ તમારા માટે છે. અહીં તમે 10,000 રૂપિયા ખર્ચીને પહોંચી શકો છો. આ સાથે જ તમે પ્રાકૃતિક સૌંદર્યની મજા માણી શકો છો.

દાર્જિલિંગ બેસ્ટ પ્લેસ બનશે

જો તમે જૂનમાં ક્યાંક ફરવા ઈચ્છો છો, તો તમે દાર્જિલિંગને પહેલું ડેસ્ટિનેશન બનાવી શકો છો. જૂનમાં ફરવા માટે દાર્જિલિંગથી સારી કોઈ જગ્યા હોઈ શકે નહીં. તમે માત્ર 10,000 રૂપિયા ખર્ચીને અહીં ત્રણથી ચાર દિવસ વિતાવી શકો છો. દિલ્હીથી અહીં આવનારા માટે લગભગ 3,000 રૂપિયામાં દાર્જિલિંગ જવા માટે અને જતી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો. તે જ સમયે ખાણી-પીણીની સાથે સ્થાનિક પ્રવાસનો ખર્ચ લગભગ 6થી 7 હજાર રૂપિયા થઈ શકે છે. એટલે કે તમે અહીં 10000 રૂપિયામાં સરળતાથી મજા માણી શકો છો.

શું જોશો દાર્જિલિંગમાં

દાર્જિલિંગની મુલાકાતમાં નેપાળની સરહદે આવેલા મિરિક અને પશુપતિની મુલાકાત લઈ શકો છો. આ સિવાય બટાસિયા લૂપ, ટાઈગર હિલ અને યિગા ચોલાંગ બૌદ્ધ મઠની સુંદરતા તમને ખુશ કરી લેશે. તિસ્તા નદીમાં રિવર રાફ્ટિંગ કરવાની એક અલગ જ મજા છે. જો તમે અહીં એડવેન્ચર રાઈડ કરો છો તો પ્રવાસનો ખર્ચ વધી શકે છે.

મુન્નાર એકદમ શાંત અને સુંદર

ગરમીથી રાહત મેળવવા માટે જૂન મહિનામાં મુન્નાર બેસ્ટ પ્લેસ બની શકે છે. તમે ઓછા સમયમાં અને ઓછા બજેટમાં અહીં ફરી શકો છો. જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમય મુન્નાર ફરવા માટે ખૂબ જ અદ્ભુત માનવામાં આવે છે, કારણ કે ચોમાસામાં આ સ્થળની સુંદરતા સંપૂર્ણપણે અલગ હોય છે. જો તમે ત્રણ-ચાર દિવસની ટ્રિપ પ્લાન કરો છો તો તેના માટે લગભગ 10,000 રૂપિયા ખર્ચવા પડશે.

શું જોશો મુન્નારમાં

મુન્નારમાં મટ્ટુપેટ્ટી ડેમ, લોકહાર્ટ ટી પાર્ક, મીસાપુલીમાલા, ચિયપ્પરા વોટરફોલ્સની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અહીંના ભોજનો સ્વાદ તમને કાયમ યાદ રહેશે. જો તમારે દિલ્હીથી મુન્નાર જવું હોય તો તમારે એર્નાકુલમ જંક્શનની ટિકિટ લેવી પડશે.અહીંથી બસની મદદથી બે થી અઢી કલાકમાં મુન્નાર પહોંચી જવાશે. અહીં તમે તમારા બજેટ મુજબ હોટલની પસંદગી કરી શકો છો. જો કે અહીં હોટલો સસ્તી છે.

ધર્મશાળાનું મનમોહક વાતાવરણ મોહી લેશે મન

ઉનાળામાં પર્વતોની મુલાકાત લેવા માટે ધર્મશાળાનો પ્લાન કરો. દિલ્હીથી ધર્મશાલા સુધી વોલ્વોમાં મુસાફરી કરી શકો છો. રાતની મુસાફરીમાં ધર્મશાળા પહોંચી જવાશે. અહીં તમે તમારા બજેટમાં સરળતાથી હોટલ મેળવી શકો છો અને સાથે સારું ભોજન પણ મેળવી શકશો. 3-4 દિવસની ટ્રિપ માટે આ જગ્યા પણ ઉત્તમ સાબિત થઈ શકે છે.  

  • Follow us on: