• સાત્વિક ચીકી હેલ્થ માટે પરફેક્ટ
  • શિંગ અને ડ્રાયફ્રૂટ્સની ચીકી બનશે સરળતાથી
  • ચોકલેટી તલની ચીકી બાળકોને કરાવશે મજા

શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે, ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ પોતાનો રંગ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ અને સ્વાદ આપે તેવી મીઠી અને પૌષ્ટિક ચીક બનાવવાની સિઝન હવે શરૂ થઇ છે. અનેક ઘરોમાં હવે ચીકી બનવાનું શરૂ થઇ ગયું છે. વસાણાની મજા પણ સાથે સાથે ચાલુ જ રહે છે. તો જો શિંગ, તલ અને દાળિયાની દેશી ચીકીની સાથે અનેક નવી ચીકી ટ્રાય કરવા ઇચ્છો છો તો તે તમારી હેલ્થ બનાવવાની સાથે સાથે પરિવારજનોને પણ ખુશ કરી શકે છે. કાજુ, બદામ, પિસ્તા જેવા સુકા મેવામાંથી બનાવેલી આ પૌષ્ટિક ચીકી કોઇ પણ આરોગી શકે છે. તેમાં રહેલા ગોળ અને તલ જેવા તત્વોની તાસીર ગરમ હોવાથી તે ઠંડી સામે રક્ષણ પણ આપશે. તો બસ કરી લો ઉત્તરાયણમાં ધાબા પર ખાવા માટે ઘરે બનાવેલી ચીકીની તૈયારી.

સાત્વિક ચીકી

સામગ્રી

-100 ગ્રામ ઘઉં

-100 ગ્રામ સોયાબીન

-100 ગ્રામ દાળિયા

-50 ગ્રામ ખારેક

-50 ગ્રામ અંજીર

-300 ગ્રામ ગોળ

-2 ચમચા ઘી

-1 ચમચો મધ

-સૂંઠ + ગંઠોડા પાવડર

રીત

સૌપ્રથમ ઘઉં, સોયાબીન, દાળિયા ધીમા તાપે જુદા જુદા શેકો. ખારેકના ટુકડા કરો. ઘઉં, સોયા, દાળિયા, ખારેકનો ગ્રાઈન્ડરમાં જાડો ભૂકો કરો. હવે પેણીમાં જરા પાણી, એક ચમચી ઘી-ગોળ નાંખી ચાસણી કરો. ચાસણી તૈયાર થાય એટલે સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને દળેલો લોટ નાંખો તથા અંજીર-મધ નાંખી બધું બરાબર હલાવો. તૈયાર થાય એટલે ઘી લગાડેલી થાળીમાં પાથરો. મનપસંદ ટુકડા કરો. એરટાઈટ ડબ્બામાં ભરીને રાખો.

શિંગની ચીકી

સામગ્રી

- 250 ગ્રામ શિંગદાણા

- 250 ગ્રામ ગોળ

- 2 મોટી ચમચી ઘી

- 5 નંગ વાટેલી એલચી.

રીત

શિંગદાણાને શેકીને અધકચરા વાટી લો. હવે કડાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા શિંગદાણા નાંખી સારી રીતે હલાવો અને એલચી નાંખી નીચે ઉતારી લો. હવે એક થાળીની પાછળ તેલ લગાવી આ મિશ્રણને પાથરી મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડું થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે શિંગદાણાની ચીકી.

કાજુ-પિસ્તાની ચીકી

સામગ્રી

- 1 વાટકી ખાંડ

- 1 વાટકી કાજુ-પિસ્તાનો કરકરો ભૂકો

- ચપટી કેસર કે ખાવાનો રંગ

- 2-4 ટીપાં કેસર એલચીનું એસેન્સ.

રીત

સૌપ્રથમ કાજુ, પિસ્તાનો કરકરો ભૂકો કરો. (મિક્સરમાં કરવો નહીં. શિંગ-કોપરું ખમણવાના હેન્ડ મિક્સરથી કરવો જેથી તેલ છૂટું પડે નહીં.) હવે કેસરને સહેજ તપાવી એક ચમચી પાણીમાં કેસરી રંગ નાંખી એકરસ કરી લેવું. ત્યારબાદ એક જાડા તળિયાવાળી પેણીને ગેસ પર ગરમ કરવા મૂકવી. તે સહેજ ગરમ થાય કે તરત જ ફૂલ તાપે ખાંડ જોર-જોરથી હલાવવી. જેવી ખાંડ ઓગળે કે તરત જ ગેસ બંધ કરી તેમાં કાજુનો તથા પિસ્તાનો ભૂકો તેમજ કેસર નાંખેલો કેસરી રંગ તથા કેસર એલચીનું એસેન્સ બે ટીપાં નાખી બરાબર હલાવી તરત જ ઘી લગાવેલી થાળી પર ભાર દઈને પાથરી દો. પછી તેમાં મનપસંદ કાપા પાડી ચકતાને ડબ્બામાં ભરી ઉપયોગમાં લેવી. આ પ્રકારની ચીકી એકસામટી મોટા જથ્થામાં ન બનાવવી. ઉપર પ્રમાણે થોડું થોડું પ્રમાણ લઈ બનાવવાથી સરળતાથી બનાવી શકાય છે.

નોંધ - આ જ પ્રમાણ લઈ તલની, કાજુ-બદામની, શિંગ વગેરેની ચીકી પણ જુદાં જુદાં વેનીલા, રોઝ, પાઈનેપલ અથવા ઓરેન્જ એસેન્સનો ઉપયોગ કરી જુદી જુદી વેરાયટીઝની કલરફૂલ (રંગબેરંગી) ચીકી બનાવી શકાય છે.

ડ્રાય ફ્રુટ ચીકી

સામગ્રી

- 1 કપ ખાંડ

- 1/4 કપ કાજુનો અધકચરો ભૂકો

- 1/4 કપ અખરોટનો અધકચરો ભૂકો

- 1/4 કપ બદામનો અધકચરો ભૂકો

- 1/4 કપ પિસ્તાનો અધકચરો ભૂકો

- 1/4 ટીસ્પૂન કેસરના રેસા

રીત

સૌપ્રથમ કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાને ઘી કે બટર મૂકી શેકી લેવા. પછી તેનો અધકચરો ભૂકો કરી સાઈડ પર રાખવો. હવે એક નોન સ્ટિક કડાઈમાં ખાંડ લઇ ગરમ કરી તેનો પાયો કરો, પાયો થઇ જાય એટલે તેમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને કેસર નાંખી તરત જ ગેસ બંધ કરી હલાવી લો. હવે તેને ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુઓ કરી વેલણથી વણી લો, થોડું ઠંડું થાય એટલે તવેથાથી ઉખાડી કટરથી કટ કરી લો.

ચોકલેટી તલ ચીકી

સામગ્રી

- 1 કપ તલ

- 1 કપ છીણેલો ગોળ

- 2 ટીસ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર

- ઘી થાળી ગ્રીસ કરવા માટે

રીત

સૌ પ્રથમ તલને શેકી લો. ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈમાં છીણેલો ગોળ નાંખી ધીમે તાપે ઓગળવા દો, ગોળ ઓગળવા આવે એટલે તેમાં ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર નાંખી હલાવી, પાયો થવા દો. વચ્ચે વચ્ચે ચેક કરતા રહો, પાયો થઇ જાય એટલે તેમાં તલ નાંખી ગેસ બંધ કરી બરોબર હલાવી લો. પછી તરત જ તેને ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુઆ જેવું બનાવી વેલણની મદદથી પાતળી વણી લો. થોડી ગરમ હોય ત્યારે જ તવેથાથી ઉખાડી કટ કરી લો.

નોંધ - કોઈ પણ ચીકી બનાવો તો યાદ રાખો કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવું જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. આ સાથે જ્યારે પાયો તૈયાર થાય ત્યારે તમે તેમાં ચણાની દાળ જેટલા સાજીના ફૂલ ઉમેરો. તેનાથી તમારો પાયો થોડો લાઈટ થશે અને ફૂલશે. 

  • Follow us on: