- મહારાષ્ટ્રની ગુલાચી પોળી, આસામની તીલ પીઠા જાણીતા
- પંજાબની રેવડી, દ.ભારતની પોંગલ ઉત્તરાયણમાં ફેમસ
- ગુજરાતની વિવિધ ચીકી પણ ઉત્તરાયણમાં વધારે છે મજા
ઉત્તરાયણનો તહેવાર દેશમાં ધામધૂમથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. અલગ-અલગ જગ્યાઓએ આ તહેવારના નામ અલગ અલગ હોય છે. ઉત્તર ભારતમાં તેને લોહરી તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉત્તરાયણ, મહારાષ્ટ્ર અને બીજા કેટલાક રાજ્યોમાં સંક્રાંત તરીકે જ્યારે દક્ષિણ ભારતમાં તેને પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. આ દરેક સ્થળો પર એક વાત કોમન છે અને તે છે વાનગીઓ. નવા પાકેલા તલ, ચોખા અને ગોળમાંથી અનેક ગળી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં ગુજરાતની તલની ચીકી, મહારાષ્ટ્રની ગુલાચી પોળી, બંગાળના પતિશાપ્ટા પીઠા, આસામની તીલ પીઠા, પંજાબની રેવડી અને દક્ષિણ ભારતની પોંગલ જેવી વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો તમે પણ જાણો તમામ જગ્યાઓએ બનતી ખાસ ડિશની માહિતી.
1 શીંગનો લાડુ
નવી પાકેલી શીંગમાંથી બનતી આ ડિશ મોટા ભાગના રાજ્યોમાં બનાવવામાં આવે છે. જેમાં શીંગ, ગોળ અને ઘી જેવી સ્વાસ્થ્યવર્ધક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
2 તલના લાડુ
મકારસંક્રાંતિ દરમિયાનનો સમય તલની સિઝન ગણાય છે. આ દરમિયાન તલનો નવો પાક આવ્યો હોય છે. આથી તલના લાડુ લગભગ દરેક રાજ્યમાં બનતા હોય છે. મહારાષ્ટ્રમાં તો સંક્રાત દરમિયાન લોકો બોલતા હોય છે કે, 'તીલ ગુડા ગ્યા, આણી ગોડ ગોડ બોલા'. એટલે કે, તલ-ગોળ ખાવો અને મીઠું-મીઠું બોલો. આથી આ તલના લાડુની રેસિપી તમારી માટે.
3 પતિશાપ્ટા પીઠા
બંગાળીઓ મકર સંક્રાંતીને પોતાની પ્રિય આ સ્વીટ ખાઈને ઉજવે છે. જેમાં તેઓ ચોખાના લોટની રોટી બનાવે છે અને તેમાં વચ્ચે સ્ટફિંગ તરીકે માવો, નાળિયેર અથવા તો ચીકીનો જે ગોળ છે તે અથવા તો ખજૂર અને તલ જેવી સામગ્રીનો ઉપયોગ કરતા હોય છે.
4 મમરાના લાડુ
મમરાના લાડુ એ ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સંક્રાંતિ દરમિયાનની ટ્રેડિશનલ ડિશ છે. મમરા ચોખામાંથી બને છે. ઉત્તરાયણના તહેવારમાં નવા પાકેલા ચોખા ખાવાનું મહત્વ હોય છે. આથી આ ડિશને પણ ટ્રેડિશનલ ડિશમાં સામેલ કરવામાં આવે છે.
5 સ્વીટ પોંગલ
સ્વીટ પોંગલ એ દક્ષિણ ભારતીય વ્યંજન છે. દક્ષિણ ભારતમાં આપણી ઉત્તરાયણને પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન એમના ત્યાં પણ નવા પાકેલા ચોખા ખાવાની પરંપરા છે. આથી જ તેઓ ચોખા, ગોળ અને મગની દાળ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને પોંગલ બનાવીને આ દિવસે ચોક્કસથી ખાય છે.
6 તલની ચીકી
તલની ચીકી એ ગુજરાતીઓની આન, બાન અને શાન ગણવામાં આવે છે. તલની ચીકી વગર આપણી ઉત્તરાયણ અધૂરી ગણવામાં આવે છે. નવા પાકેલા તલને આપણે આ રીતે ખાઈને વધાવીએ છીએ.
7 મકરા ચૌલા
આ એક ઓરિસ્સાની ફેમસ ડિશ છે. ઓરિસ્સામાં પોંગલ દરમિયાન નવા થયેલા ચોખા, નાળિયેર, તલ, કેળા, ગોળ અને શેરડીમાંથી આ ડિશ બનાવવામાં આવે છે.
8 પિન્ની
પિન્ની એ ઉત્તર ભારતીય વાનગી છે. ખાસ કરીને પંજાબમાં લોહરી દરમિયાન આ સ્વીટ બનાવવામાં આવે છે. જેમાં ચોખાનો લોટ, ડ્રાયફ્રુટ્સ, ખાંડ અને ઘી જેવી હેલ્ધી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
9 પુલી પીઠા
પુલી પીઠા એ બંગાળી વાનગી છે. જેમાં આપણે આગળ પતિશાપ્ટા પીઠા નામની જે મિઠાઈની વાનગી શીખ્યા તેનો જ કેટલોક અંશ આમાં હોય છે. આ વાનગીમાં ચોખાના લોટનું પડ અને નાળિયેરના સ્ટફિંગવાળા ઘૂઘરાં તૈયાર કરવામાં આવે છે. આ ઘૂઘરાને દૂધમાં ઉકાળીને ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે.
10 રેવડી
પંજાબમાં ઉત્તરાયણ એટલે કે લોહરી દરમિયાન ખાવાની પરંપરા છે. આપણા ત્યાં જેમ તલની ચીકી પ્રખ્યાત છે તેમ ત્યાં રેવડીને ચોક્કસથી લોહરીના દિવસે ખાવાની અને આગમાં હોમવાની પરંપરા છે.
11 તીલ પીઠા
તીલ પીઠા એ આમસીઝ વાનગી છે. મકર સંક્રાંતિ દરમિયાન આસામમાં આ ટ્રેડિશનલ સ્વીટ ખાવાની પરંપરા છે. આ વાનગીમાં પણ નવા પાકેલા ચોખા, તલ અને ગોળ જેવી પરંપરાગત સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અલગ રીતે અને અલગ જ ટેસ્ટની વાનગી તૈયાર થાય છે.
12 ગુલાચી પોળી
આ એક મહારાષ્ટ્રિયન ડિશ છે. દક્ષિણ ભારતમાં પણ પોંગલ દરમિયાન આ જ ડિશ અલગ નામથી બનાવવામાં આવે છે. ગોળ અને તલનું સ્ટફિંગ ઘઉંની રોટલીમાં ભરીને બનાવવામાં આવે છે આ ડિશ.