આજે સમગ્ર વિશ્વમાં જ્યારે 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી થઈ રહી છે, ત્યારે રંગીલા રાજકોટમાં હિન્દુ સંગઠનો દ્વારા આ દિવસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના જાણીતા રેસકોર્સ વિસ્તારમાં આવેલા લવ ગાર્ડન ખાતે બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


સંસ્કૃતિ રક્ષણના નામે વિરોધ

બજરંગ દળના કાર્યકરોએ હાથમાં ભગવા ધ્વજ સાથે 'જય શ્રી રામ'ના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોનો આરોપ છે કે, વેલેન્ટાઈન ડે એ ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી અને આ દિવસે જાહેરમાં થતું આચરણ યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે. રાજકોટના રેસકોર્સ ગાર્ડનમાં બેઠેલા અને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા યુગલોને કાર્યકરોએ અટકાવ્યા હતા અને તેમને ભારતીય મર્યાદાનું પાલન કરવા તાકીદ કરી હતી.

યુગલોમાં ફેલાયો ફફડાટ

હિન્દુ સંગઠનોના આ આક્રમક તેવરને જોઈને ગાર્ડનમાં બેઠેલા પ્રેમી યુગલોમાં ફફડાટ ફેલાયો હતો. અનેક યુગલો વિરોધ જોઈને ગાર્ડન છોડીને ચાલ્યા ગયા હતા. બજરંગ દળના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમે પ્રેમ વિરોધી નથી, પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના નામે ફેલાતી અશ્લીલતા અને સંસ્કૃતિ વિરૂદ્ધના આચરણનો વિરોધ કરીએ છીએ.




પોલીસ બંદોબસ્તની શક્યતા

રાજકોટના જાહેર સ્થળોએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ સતર્ક બની છે. ખાસ કરીને રાજકોટ રેસકોર્સ ગાર્ડન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં યુવાનોની અવરજવર વધુ હોય છે, ત્યાં ચુસ્ત બંદોબસ્ત જાળવવાની અને ઘર્ષણ ટાળવાની કોશિશ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Rajkot મનપાના આરોગ્ય વિભાગના દરોડા, 14 ખજૂર, 15 ખાદ્યતેલના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ


  • Follow us on: