- રોજિંદી દાળને મળશે નવો ટેસ્ટ, નહીં લાગે કડવી
- કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, મિનરલ્સથી છે ભરપૂર મેથી
- પરોઠા, મૂઠિયાનો ટેસ્ટ પણ ભૂલાવશે આ દાળ
શિયાળામાં શાકભાજી માર્કેટ તાજી-તાજી ભાજીથી ભરાઈ ગયુ છે. એવામાં મેથીની ભાજીની વાનગીઓની મજા તો અલગ જ હોય છે. જો તમને એકનું એક મેથીની ભાજીનું શાક કે મૂઠિયા કે પરાઠા ના ભાવતા હોય તો, આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ મેથી દાળ. તમે આ દાળની મદદથી રૂટિન દાળમાં ટ્વિસ્ટ મેળવી શકો છો. તેનાથી ટેસ્ટ તો વધે જ છે અને સાથે શિયાળામાં હેલ્થ પણ સારી રહે છે. તો જાણો કેવી રીતે બનાવશો આ દાળ ફટાફટ ઘરે જ.
મેથીને એકલી ખાવાથી કદાચ તે કડવી લાગે તે શક્ય છે પણ બીજી વસ્તુઓ સાથે મિક્સ કરીને તેને બનાવામાં આવે તો તે જરાય કડવી નથી લાગતી. તેનામાં ન્યૂટ્રીશન વેલ્યુ ખૂબ વધારે હોય છે. તેમાંથી મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, મિનરલ્સ પણ મળી રહેતા હોય છે.
મેથી દાળ
સામગ્રી
-1/4 કપ તુવેર દાળ
-2 ટેબલ સ્પૂન મગ દાળ
-2 ટેબલ સ્પૂન મસુર દાળ
-1 3/4 કપ પાણી
-3 ટી સ્પૂન તેલ
-1 ટી સ્પૂન જીરૂં
-1 ટી સ્પૂન આદું પેસ્ટ
-1/2 ટી સ્પૂન લસણ પેસ્ટ
-3 મરચાં સમારેલાં
-1/2 કપ ઝીણી સમારેલી ડુંગણી
-1 કપ મેથી ધોઈને ઝીણી સમારેલી
-1/2 કપ ઝીણાં સમારેલાં ટામેટા
-1/4 ટી સ્પૂન હળદર પાઉડર
-1/2 ટી સ્પૂન મરચું પાઉડર
-1 ટી સ્પૂન લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
રીત
ત્રણેય દાળને ધોઈને બરાબર સાફ કરી લો. એક કપ પાણી કુકરમાં મૂકી બાફી લો. ત્રણેક સીટી વગાડો. કુકરમાંથી હવા નીકળ્યા બાદ તેનું ઢાંકણ ખોલી નાંખો. જ્યાં સુધી દાળ બફાઈ રહી છે ત્યાં સુધી વઘાર માટેની સામગ્રી તૈયાર કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં તતડે એટલે તેમાં આદું-લસણની પેસ્ટ અને લીલાં મરચાં નાંખો. તેને અડધી એક મિનિટ સુધી સાંતળો. પછી તેમાં ડુંગળી નાંખો. ડુંગળી સહેજ આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટાં અને મેથી નાંખો. બરાબર હલાવીને ત્રણેક મિનિટ સુધી ચઢવા દો. ટામેટાં થોડા ચઢી જાય એટલે તેમાં બાફેલી દાળ, હળદર, લાલ મરચું અને મીઠું નાંખી ફરીથી બરાબર હલાવો. લગભગ પોણો કપ પાણી નાંખી બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ તેને લગભગ પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દેવી. છેલ્લે તેમાં લીંબુનો રસ નાંખી બરાબર હલાવીને ગેસ બંધ કરી દેવો. તૈયાર છે લિજ્જતદાર મેથી દાળ.